Gujarat

સાવરકુંડલા શહેરમા શહેરને વીંધીને પસાર થતાં નેશનલ હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય.. તંત્ર તરફ અમીટ નયને જોતાં લોકો સમસ્યાના નિવારણ કાજે બે હાથ જોડીને તંત્રને અરજ કરે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હજુ તો એવો મુશળધાર વરસાદ પણ સાવરકુંડલા શહેરમાં નથી વરસ્યો ત્યાં સાવરકુંડલા શહેરને વીંધીને પસાર થતાં નેશનલ હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડેલા જોવા મળે છે. જો કે ખાડા પડે અને એ પણ નેશનલ હાઈવે પર અને એ પણ થોડા વરસાદમાં એનાથી વિશેષ જનતાનું  દુર્ભાગ્ય શું હોય શકે? હા, ખાડા પર સમારકામ થયું ત્યારે તે ગુણવત્તાસભર થયું હશે કે કેમ? એ તો ઈશ્વર જાણે પરંતુ મોટી મોટી વાતો કરતું તંત્ર આનો કેવો ખુલાસો કરશે એ પણ રામ જાણે. પરંતુ આવા થોડા વરસાદમાં જ ખાડા પડી જાય તે પણ એક આશ્ર્ચર્ય જ કહેવાય..!! લોકો તો વ્યંગમાં એમ પણ કહેતા જોવા મળે છે કે સત્તાધીશો આ રસ્તા પર વરસતાં વરસાદમાં બે ચાર વખત સ્કૂટર કે કોઈ પણ દ્વિચક્રી વાહન લઈને મુસાફરી કરે તો વાસ્તવિકતાનો તેને પણ ખ્યાલ આવે. . હા, વરસતાં વરસાદમાં આ રોડ ઉપર મુસાફરી કરવી એટલે જાનનું જોખમ પણ થઈ શકે. પાણીભરેલા રસ્તા પર ખાડો કેટલો ઊંડો હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હોય શકે. આ અમરેલી મહુવા નેશનલ હાઈવે સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો રસ્તો છે. પ્રસ્તુત તસવીરમાં અમરેલી રોડ સાવરકુંડલા ન્યાસ પેટ્રોલ પંપ નજીકનું દ્રશ્ય છે. હાઈવેની બરોબર વચ્ચે એક મોટો ખાડો પડી ગયો છે. આ ઘટના પણ ગઈકાલની છે. કોઈ સજ્જને અહીં કોઈ જાનહાનિ ન થાય એટલા માટે ત્યાં બાવળનું થડયું  રસ્તા વચ્ચે મૂકેલ છે. તંત્ર દ્વારા ત્વરિત પગલા લેવાય એવું આમજનતા ઈચ્છે છે. ઘણાં લોકો અહીંથી પસાર થતાં થતાં આ ખાડામાં પડતાં પડતાં બચી ગયા છે. આ રસ્તા પર પસાર થતાં અહી આ ખાડા આસપાસ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આશા રાખીએ તંત્ર પાણીનો યોગ્ય નિકાલ કરે અને આ ખાડાઓ યુધ્ધના ધોરણે પૂરે અને તેનું ગુણવત્તા સભર યોગ્ય સમારકામ કરે. જેથી લોકોની મુશ્કેલી ઓછી થાય. એક ખાસ વાત હજુ થોડા સમય પહેલાં જ આ રસ્તાનું સમારકામ થયું છે. હજુ તો સાવરકુંડલા શહેરમા એવો મુશળધાર વરસાદ પણ નથી આવ્યો ત્યાં આ સ્થિતિ છે. આ વિકાસની કઈ પરિભાષા છે તે સમજવું પણ મુશ્કેલ લાગે છે.!! થોડો વરસાદ અને સર્જાય ખાડારાજ..!! ત્યારે પ્રજા કહે તો કોને કહે? આવા વરસાદી વાતાવરણ વચ્ચે તંત્ર તેની ઘોર નિંદ્રામાંથી જાગે અને લોકોને પડતી હાલાકીનું મુલ્યાંકન કરે તે ખૂબ આવશ્યક છે. પ્રજા લાચાર મને તંત્ર પાસે આ સમસ્યાનું નિરાકરણ કરવા વિનંતી કરી શકે. બીજું તો વિશેષ શું કરી શકે?

20220713_115215.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *