બાબા રામદેવપીરનું અવતારકાર્ય અને ઉપદેશલીલા…
વર્તમાન પરિપ્રેક્ષ્યમાં…
ગિરગઢડા
ભરત ગંગદેવ
કૃષ્ણાવતાર બાબા રામદેવપીર સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે દ્વારકાધીશના પરમ ભક્ત અને પોકરણ ઉન્ડૂ-કાશ્મીરના રાજા અજમલજીના આંગણે કુમકુમ પગલિયા કરીને પારણામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા ! એ પાવનભૂમિ એટલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકામાં વિદ્યમાન અવતારધામ રામદેરિયા…જ્યાં માગશર મહિનામાં 20 કરોડના ખર્ચે જોધપુરના પીળા પથ્થર વડે નિર્માણ પામેલ વિરાટ અને દિવ્ય રામદેવ તીર્થધામમાં ભવ્યાતિભવ્ય મૂર્તિ સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધૂમધામપૂર્વક ઊજવાયો હતો…બાબા રામદેવપીરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લૌકિક-અલૌકિક કાર્યો…અવતારકાર્ય પરિપૂર્ણ કરીને સંવત 1515માં ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રુણીચા-રણુજા પાસે રામદેવરામાં રામસરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે…ત્યારે દુનિયાભરમાંથી રામદેવ ભક્તો “નાથ મારો નેજાધારી… પીર મારો પરચાધારી…ધણી મારો ધજાધારી”ના આધ્યાત્મિક ઉદબોધન સહિત રામદેવપીરના દિવ્યધામ તરફ ગતિ કરતા હોય છે…હાથમાં નેજો,હૃદયમાં સ્મરણ અને મુખ પર જય બાબેરી… સહિત નાચતા-કૂદતા ભજન લલકારતા પગપાળા યાત્રા કરે છે તે માહોલનું હવાઈદર્શન કરવામાં આવે તો રણુજાનો ભાદરવા મહિનાનો મેળો “મારવાડનો મહાકુંભ” પૂરવાર થાય છે.
બાબા રામદેવપીરે સૌપ્રથમ પરચો પિતા અજમલજીને જ કેમ આપ્યો ? કહેવાય છે કે સમુદ્રગમન વખતે દ્વારકાધીશ અજમલજીના પુત્ર રૂપે અવતરવાનું વચન આપે છે.તેથી અવતરણ વખતે જ પિતાનું ઋણ ઉતારવા આંગણામાં કુમકુમ પગલિયા કરીને-ચાલીને પારણામાં નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા નહિ કે માતાની કોખથી ! જ્યારે માતા મેણાદે પ્રથમ પુત્ર વિરમદેવની બાજુમાં એજ પારણામાં અન્ય પુત્રને જુએ છે ત્યારે પળવાર માટે અકારણ ડરી જાય છે… આશ્ચર્યચકિત થઈ જાય છે પણ પતિદેવ દ્વારકાધીશનું વચન યાદ કરાવે છે ત્યારે હૃદય અતિ પ્રફુલ્લિત થાય છે ! માતાના ખોળામાં સૂતેલા બાળક રામદેવ ચૂલા પર મૂકેલ દૂધની ઉષ્ણ દેગ નીચે ઉતારીને માતાને દૈવી પુરુષ હોવાનું પ્રમાણ આપે છે ! (જેવી રીતે બાળ કૃષ્ણે માતા જશોદાને માટી ખાવાના બહાના અંતર્ગત સમગ્ર સૃષ્ટિના ભવ્ય અને દિવ્ય દર્શન કરાવ્યા હતા.) બાળક રામદેવ નાના હોય છે ત્યારે ઘોડા પર બેસવાની હઠ પકડે છે ત્યારે રૂપા દરજી પાસે માતા મેણાદે મોંઘા અને મખમલના કપડાનો ઘોડો તૈયાર કરાવે છે પણ લાલચુ દરજી મોંઘું કાપડ ઘર માટે રાખી લે છે અને જૂના પુરાણા ચીંથરા ભરીને ઘોડો તૈયાર કરે છે.કપડાના ઘોડા પર બાળક રામદેવ સવાર થતાંની સાથે જ ઘોડો આકાશમાર્ગે ગમન કરે છે.સૌ કોઈ સગા સ્નેહી ચિંતાતુર બની જાય છે.દરજીએ કોઈ કરતબ કે કાળો જાદુ કર્યો છે એમ માનીને તેને કેદ કરવામાં આવે છે. દરજી દયાના સૂરમાં માફ કરવા અરજી અને આજીજી કરે છે.એ વખતે બાળક રામદેવ ઘોડા સહિત ભૂમિ પર સફળ ઉતરાણ કરે છે અને દરજીને જીવનમાં ક્યારેય લાલચ અને ચોરી ન કરવા પ્રતિજ્ઞા લેવડાવે છે અને મુક્ત કરે છે ત્યારથી દરજી કોમ બાબાને પૂજે છે.કેટલાક ભક્તો સવાલ કરતા હોય છે કે રામદેવપીર ગેડી દડો રમતાં રમતાં શિવભક્ત બાલીનાથની ધૂણીરેન્જમાં પહોંચી જાય છે અને ગુરુનું ઋણ ચૂકવવા…પોકરણની ભૈરવ રાક્ષસથી ત્રસ્ત જનતાને ભયમુક્ત કરવા સાત વર્ષની બાળ વયે (કૃષ્ણે પણ સાત વર્ષે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર અધ્ધર કર્યો હતો અને ઈન્દ્રના કોપથી વૃંદાવન વાસીઓને બચાવ્યા હતા ! )દ્રૌપદીના ચીરની જેમ ગોદડીની વૃદ્ધિ કરીને ભૈરવ વધ કરે છે ! તો પછી બાળક રામદેવ શા માટે ઘોડો લઈને આકાશે ઉડ્યા હતા ? તો એનો સરળ જવાબ એજ હોઈ શકે કે અંતર્યામી સાંસારિક રીત રિવાજ અનુસાર ભૈરવભૂમિનું નિરીક્ષણ કરવા ગયા હતા કે જેથી કરીને ખબર પડે કે સર્જિકલ સ્ટ્રાઈક કેવી રીતે અને ક્યાં કરવાની છે ! અને એ બહાને દરજીને પણ ઉપયોગી બોધપાઠ આપવો જરૂરી હતો.લાખું વણઝારો સાકરની ગુણી લઈને બાળક રામદેવને મળે છે ત્યારે રાજકુમાર હશે તો દાણ-કર માગશે અને કોઈ સામાન્ય બાળક હશે તો ખાવા માટે મફત માગશે એમ માનીને ગુણીમાં સાંભરનું લૂણ-મીઠું ભરેલું છે એવું હળહળતું જૂઠ બોલે છે અને રામદેવકૃપાથી સાકર લૂણ-મીઠું બને છે.વણઝારો પસ્તાવો કરે છે…અફસોસ વ્યક્ત કરે છે અને જીવનમાં ક્યારેય ટેક્ષ ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લે છે…બાબા રામદેવપીર કડક વેરા વસૂલાત અધિકારી પૂરવાર થાય છે.તંવરવંશી રાજપૂત બાબા રામદેવપીર અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા.માનવ માત્રની સેવા એજ એમનું પરમ કર્તવ્ય હતું.તેથી જ સવર્ણ વર્ગમાં દાખલો બેસાડવા દલિત દીકરી ડાલીબાઈને ધરમની બહેન બનાવી હતી અને દેશ દુનિયાને સમાનતા-માનવતાનો ઉમદા સંદેશ આપ્યો છે.વિશ્ર્નોઈ સંત જાંભેશ્વરનું સરોવર ખારું બનાવીને તેમનો અહમ ઓછો કરી દીધો હતો.તેનો અર્થ એ થયો કે જગતમાં સર્વશ્રેષ્ઠ છે તે કોઈ દિવસ સ્વયં સ્તુતિ કરતો નથી અને સ્વયં સ્તુતિ કરે એ સર્વશ્રેષ્ઠ હોઈ ન શકે ! વિરમદેવ સાથે પાસાં ખેલતી વખતે બોહિતમલ જૈનની જહાજ ઉગારીને ઉત્તમ મિત્રધર્મ નિભાવે છે.સાચા મિત્રની કપરી કસોટી ખરા સમયે જ થાય અને એમાં સફળ થાય એ જ સાચો ભાઈબંધ કહેવાય ! રામા રાજકુમારની કીર્તિના વખાણ સાંભળીને સાત સમંદર પારથી મક્કાના પાંચ પીર આકરી પરીક્ષા લેવા પધારે છે અને જંગલમાં કિશોર વયે રણુજાના રાજકુમારને મળે છે.રાજકુમાર જમવા આગ્રહ કરે છે પણ પીર સાહેબ એમ કહીને ભોજનનો સવિનય ઈન્કાર કરે છે કે પોતે જમવાના વર્તન-વાસણ-કટોરા મક્કામાં ભૂલી ગયા છે.સિદ્ધપુરુષો આવી સામાન્ય ભૂલ ન કરે તે સ્વાભાવિક છે પરંતુ કસોટી અર્થે બહાનું આગળ ધરે છે અને પોતે દાંતણ રોપી પાંચ વિરાટ પીપળીઓ પળવારમાં પ્રગટ કરી દે છે ત્યારે અંતર્યામી અને હાજરાહજૂર પ્રભુ “રાજકુમાર” રામદેવ યોગશક્તિથી વારાફરતી વર્તન હાજર કરે છે અને પાંચેય પીર રામદેવજીને નતમસ્તક પીરોના પીર-હિંદવા પીર-રામસા પીરની ઉચ્ચતમ ઉપાધિ અર્પિને મક્કા રવાના થાય છે ! ત્યારથી રામદેવપીર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રણેતા મનાય છે અને મોગલયુગ દરમિયાન રામદેવપીરના મંદિરને વિધર્મી મુસ્લિમ આક્રમણખોરોએ ક્ષતિ પહોંચાડી નથી એ સનાતન સત્ય છે.સુદામા જેવા મિત્ર સ્વારથિયા સુથારને સર્પદંશની પીડામાંથી મુક્ત કરી જાગૃત કરે છે.લગ્ન વખતે સુજ્ઞ બહેન સુગણાને લેવા માટે રતના રાયકાને પિંગલગ્રામ-પુંગળગઢ મોકલે છે જ્યાં પઢિયાર સરદાર દ્વારા રતના રાયકાને અસહ્ય યાતના અપાય છે.ઊંડા કૂવામાં ઊંધા લટકાવાય છે ત્યારે લગ્ન વખતે બહાર ન જવાય તેવો હિન્દુ ધર્મનો અભંગ રિવાજ હોવાથી નિયમ ભંગ ન થાય અને રતના રાયકાનો સમયસર બચાવ થાય…બહેનને વેળાસર લગ્નમાં લાવી શકાય તેવા આશયથી રામદેવપીર બીજું સ્વરૂપ ધારણ કરે છે અને પિંગલગ્રામ પહોંચી બનેવી-વેવાઈને વિધિસર સમજાવી બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપી રણુજા આવી જાય છે.દુષ્ટ,કપટી અને અભિમાનીને અવશ્ય સજા કરવી એ મધ્યયુગીન રણુજાના રાજાનું પરમ કર્તવ્ય હતું.રસ્તામાં આવતાં સુગણા અને રતના રાયકાને દિલ્હી બાદશાહ ફિરોજશાહ તઘલખના માણસો પરેશાન કરે છે ફરીથી બહેનની પોકાર સાંભળી વીર રામદેવ હાજર થાય છે અને ફિરોજશાહ તઘલખ મહાત થાય છે…માફી માંગે છે અને દિલ્હીમાં મંદિર બનાવે છે…ચાંદીનું છત્ર અર્પણ કરે છે ! લગ્ન વેળા જમાઈની જમણ વિધિ વખતે પીરાઈની ખરાઈ કરવા સાસુ મરેલી બિલાડીને રૂમાલ વડે ઢાંકીને આગળ ધરે છે જે અંતર્યામી જાણી જાય છે અને મૃત બિલાડી સજીવન થાય છે.અષ્ટાવક્રી રાણી નેતલ અંગ નિર્મલ બને છે અને વર્તમાન પાક વિસ્તારમાં વિદ્યમાન અમરકોટનું સોઢાભવન (આજે પણ રામદેવપીરના શ્વસુર પક્ષના સોઢા સરદાર હમીરસિંહ રાણાની પાકમાં હાક-ધાક અને તેમનો વટ-વૈભવ એજ છે ! )તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે ! ભગવાન કૃષ્ણ અવતાર હોવા છતાં પણ દ્વાપરયુગમાં સુભદ્રાપુત્ર અભિમન્યુને બચાવી શક્યા ન હોવાથી કળિયુગના કૃષ્ણાવતાર રામદેવપીર સુગણાપુત્ર અમરસિંહને આયુદાન આપે છે અને રણુજાનગર નોબત નગારાંના નાદથી ગુંજી ઉઠે છે.ગાયનો વાછરડો મરી જાય છે ત્યારે ભાભી હઠ પકડે છે ત્યારે સૃષ્ટિના કાર્યની વિરુદ્ધ જઈને પણ રામદેવપીર પોતાની ઉંમર વાછરડાને અર્પિને સજીવન કરે છે.રાજાનો ધર્મ બને છે કે કોઈપણ સંજોગોમાં પ્રજાનું કષ્ટ હળવું કરવું.સમાધિ લીધા પછી ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્તની જેમ ફરીથી પ્રગટ થઈને માસિયાઈ ભાઈ હડબુજી સાંખલાને મળે છે.સમાધિ લીધાના ઘણા વર્ષ પછી હરજી ભાટીને જંગલમાં સાધુ વેશે સાક્ષાત મળે છે અને વગર વિયાયેલી બકરીનું દૂધ પોતે પીએ છે અને હરજી ખાતરી કરવા વાટકામાં વધેલા દૂધના ફીણ ચાટે છે અને હરજીને ત્રિલોકજ્ઞાન થઈ જાય છે.હરજી ભાટી સમર્થ ધણીને ઓળખી જાય છે અને બાબા રામદેવપીરના ઉપદેશલીલા અને અવતારકાર્યના પ્રથમ સ્ટાર પ્રચારક…રામદેવપીરે લોકોને આપેલ પરચાના બ્રાન્ડ એમ્બેસેડર બને છે અને હાથમાં વીણા ધારણ કરી દેશદેશાવર બાબાનો પ્રચાર કરે છે.(તેથી જ રામદેવપીરની પ્રચલિત તસવીરમાં હરજી ભાટીને પ્રમુખ સ્થાન અપાયું છે.)શરૂઆત મસૂરિયા પહાડ પરથી કરે છે.જોધાણા અર્થાત જોધપુર સમ્રાટ વિજયસિંહ કોઈકની ઉશ્કેરણીજનક વાતોમાં આવીને હરજીની આકરી કસોટી કરવા જાય છે પણ શિકારી ખુદ શિકાર થઈ જાય છે અને હરજીને તાંબા પત્રક લખીને પોતાના તાબા હેઠળની જમીન ગુજરાન માટે બક્ષિસ કરે છે અને મસૂરિયા પહાડ પર મંદિર નિર્માણમાં ઉચિત યોગદાન અર્પણ કરે છે.હેલો મારો સાંભળો…વાળા દેસૂરીના દલાજી અગ્રવાલનું મસ્તક ચોરોએ ધડથી પૃથક કરી દીધું હતું ત્યારે વણિયાણીનો આર્તનાદ સાંભળી હાજરાહજૂર બાબા હાજર થાય છે અને મસ્તક જોડાય છે…દલુ શેઠ સજીવન થાય છે…(અગ્રવાલ જૈન બાબા રામદેવપીરને સવિશેષ માને છે.)ચોર અંધ અને કુષ્ઠ રોગથી ગ્રસ્ત બને છે…બાબા રામદેવપીરની કૃપાથી અંધજનને દ્રષ્ટિ મળે છે…વાંઝિયામેણું ટળે છે…ઉત્તમ પુત્રરત્ન જન્મે છે…દુષ્ટ સજ્જન બને છે… દુશ્મન મિત્ર બને છે…અસાધ્ય રોગ અલ્પ સમયમાં લુપ્ત થાય છે…મનધાર્યા અશક્ય કાર્ય શક્ય બને છે…જય હો…રામસાપીર…સૌ ભક્તોનું યથાયોગ્ય કર્મ અનુસાર કલ્યાણ કરો…

