Gujarat

રૂ. 10 કરોડના ખર્ચે જિલ્લાના 94 ગ્રામ પંચાયત આવાસોના નવનિર્માણ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. – રાજ્યમંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજા  

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રીશ્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રીશ્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, રસોઈ ઘર જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂ. 14 લાખના ખર્ચે 750 ચો. ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નિવાસનું લોકાર્પણ થવાથી ગ્રામજનોને વહીવટી અને વિકાસલક્ષી કામગીરીમાં પડતી મુશ્કેલી પણ દૂર થઇ છે. 

આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ શાસનકાળમાં સરપંચશ્રીઓને વિકાસકામો અર્થે ગ્રાન્ટ મેળવવા માટે સમય બગડતો નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ગ્રામ પંચાયતના વિકાસ માટે વ્યક્તિગત ધોરણે રસ દાખવીને ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. જેથી વિકાસકામો સમયસર પૂર્ણ થઇ શકે, અને ગામડાંઓ શહેરની સમકક્ષ પહોંચી શકે. 

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્યાંક રાજ્યમાં આવેલી 2700 ગ્રામ પંચાયતોના ભવનોનું નવનિર્માણ સમયસર પૂર્ણ કરવાનો રહેલો છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિરભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયતોના નવનિર્માણ માટે જે મોડેલ રજૂ કરવામાં આવ્યું છે, તેની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી ભરતભાઈ, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઈ હરવારા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી ભાનુબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિરભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કીર્તનબેન, DRDA નિયામક શ્રી રાયજાદાભાઈ, જામનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એ. સરવૈયા, દડીયા ગામના સરપંચ શ્રી રાજેશભાઈ લખીયર, દડીયા ગામના ઉપ સરપંચ શ્રીમતી રસીલાબેન, ગ્રામ આગેવાનો શ્રી જમનભાઈ, શ્રી બેચરભાઈ લખીયર, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RAGHVAJIBHAI-PATEL-PROGRAM-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *