આણંદ
પેટલાદના મોરડ ગામે રહેતા પિંકીબહેન રાકેશકુમાર કોટડીયા (રહે.પોસ્ટ ઓફિસવાળું ફળીયું, મોરડ) ૧૧મી એપ્રિલ,૨૦૦૮ થી ૨૯મી એપ્રિલ,૨૦૨૧ દરમિયાન મોરડ બ્રાન્ચ ઓફિસ ખાતે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓએ સેવીંગ બેન્ક, રીકરીંગ ડિપોઝીટ, ટપાલ જીવન વિમો, ગ્રામીણ ટપાલ જીવન વિમો, મની ઓર્ડર બુક કરવું તે મુજબ ટીકીટો વેચવાનું કામ કરવાનું આવે છે. જે નાણા જે હેતુ માટે મળ્યાં હોય તે હેતુના મથાળા હેઠળ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બચત જર્નલમાં દર્શાવવાના હોય છે અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસના હિસાબમાં (સરકારી હિસાબ) જે તે દિવસે જમા તેમજ ઉધાર કરવાના હોય છે. તેઓએ તેમના સમયગાળા દરમિયાન અલગ-અલગ તારીખે ખાતેદારોના ખાતામાંથી તેમની જાણ બહાર કુલ રૂ.૩૦ હજાર ઉપાડી લીધાં હતાં. જે બાબતની કબુલાત પિંકીબહેન રાકેશકુમાર કોટડીયાએ ખાતાકીય તપાસ દરમિયાન કરી છે. આથી, તેમને ફરજમુક્ત પણ કરવામાં આવ્યાં છે. બાદમાં ૨૭મી એપ્રિલ,૨૧થી મોરડ બ્રાન્ચ પોસ્ટ ઓફિસનું સો ટકા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શારદાબહેન ચીમનભાઈ પરમારના ખાતામાંથી રૂ.પાંચ હજાર ઉપાડી લીધાં હતાં. જેમાં ખાતેદારનો અંગુઠો અને સાક્ષીની સહી બોગસ કરી હતી. આ ઉપરાંત નંદાબહેન ગોરધનભાઈ બારિયાના ખાતામાંથી પણ પાંચ હજાર રૂપિયા ઉપાડી લીધાં હતાં. જેમાં સાક્ષીની સહી પણ બોગસ કરી હતી. તેવી જ રીતે જીતુભાઈ અંબુભાઈ પરમારના ખાતામાંથી ચાર વખત પાંચ – પાંચ હજાર મળી કુલ રૂ.૨૦ હજાર ઉપાડી લીધાં હતાં. આમ, ૧૬મી જુલાઇ, ૨૦૨૦થી ૨૯મી એપ્રિલ,૨૧ સુધીમાં કુલ ત્રણ ખાતેદાર પાસેથી કુલ રૂ.૩૦ હજારની ઉચાપત કરી બહાર આવી હતી. આ અંગે મહેળાવ પોલીસે પિંકીબહેન રાકેશકુમાર કોટડીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદના મોરડ ગામે આવેલી પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરે ત્રણેક ખાતેદારોના ખાતામાંથી બારોબાર રૂ.૩૦ હજાર ઉપાડી લીધાં હતાં. આ બાબત ઉચ્ચ કક્ષાએ ધ્યાનમાં આવતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસના અંતે મહિલા પોસ્ટ માસ્તર સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.


