નવીદિલ્હી
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનામાંથી સ્વસ્થ થઈને સંપૂર્ણ ફિટ થતાં હવે કે એલ રાહુલ ઝિમ્બાબ્વે સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રહેશે. જ્યારે શિખર ધવનને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. મેડિકલ ટીમે કે એલ રાહુલને ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડેની શ્રેણી માટે રમવાની મંજૂરી આપી છે. અગાઉ ઝિમ્બાબ્વે સામે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હોવાથી શિખર ધવનને કેપ્ટન જાહેર કરાયો હતો. બીસીસીઆઈએ ગુરુવારે સાંજે આ અંગે માહિતી આપી હતી. બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું કે, કે એલ રાહુલનું આકલન કરવામાં આવ્યું હતું અને તેને ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીમાં રમવા મંજૂરી આપી છે. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ કે એલ રાહુલને ટીમનો કેપ્ટન પસંદ કર્યો છે અને શિખર ધવન વાઈસ કેપ્ટન રહેશે. કે એલ રાહુલે સારણ ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે પણ ટીમમાં સમાવવામાં આવ્યો હતો પરંતુ કોરોના સંક્રમણ થતાં તે રમી શક્યો નહતો. રાહુલને સ્વસ્થ થવામાં સમય લાગી રહ્યો હતો અને તેથી તેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ટીમમાં લેવાયો નહતો. રાહુલને ફિટ થવા માટે સમય આપવામાં આવ્યો હતો જેથી તે એશિયા કપમાં સંપૂર્ણ ફિટનેસ સાથે રમી શકે. મેડિકલ ટીમે પસંદગી માટે નિર્ધારિત માપદંડો પર ખરા ઉતર્યા બાદ કે એલ રાહુલને ફિટ જાહેર કર્યો હતો. ભારતના ઓપનર લોકેશ રાહુલ ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માની સાથે ટીમના વાઈસ કેપ્ટન પદ માટે પ્રથમ પસંદગી છે અને હવે તે પસંદગી માટે ઉપલબ્ધ થતાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવતા કુલ સભ્યોની સંખ્યા ૧૬ની થઈ છે. પસંદગીકારોએ તેને કોઈ અન્ય ખેલાડીના સ્થાને નથી લીધો. કે એલ રાહુલ ટીમમાં સામેલ થતાં હવે ઋતુરાજ ગાયકવાડને ટીમમાં રમવાની તક મળે તેની સંભાવના ઓછી જણાય છે. ભારતીય ટીમના વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, રિશભ પંત, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ઝિમ્બાબ્વે સામેની વન-ડે સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. બુમરાહ પીઠની ઈજાને કારણે ૨૭ ઓગસ્ટથી યુએઈમાં યોજાનાર એશિયા કપમાં પણ રમી નહીં શકે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૧૮ ઓગસ્ટથી શ્રેણીનો પ્રારંભ થશે. ૨૦ અને ૨૨ ઓગસ્ટે બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. આ મેચ આઈસીસી વન-ડે સુપર લીગનો હિસ્સો હશે. ઝિમ્બાબ્વે માટે આ સિરીઝ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તેના પોઈન્ટ્સ આગામી વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફિકેશન માટે ગણવામાં આવશે.


