સુરત
ઓએલએક્સ પર આવી રીતે ચીટીંગની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઈ રહી છે. ત્યારે સુરતમાં રત્નકલાકારના પુત્રએ ઓએલએક્સ પર ૨ હજારમાં સાઇકલ વેચવામાં પિતાએ ૯૦ હજાર ગુમાવ્યા છે. ઠગે આર્મી તરીકે ઓળખ આપી સાઈકલ ખરીદવા ઓનલાઇન પેમેન્ટ માટે કયુંઆર કોર્ડ મોકલ્યો હતો. જે રત્નકલાકારના પુત્રએ સ્ક્રેન કરતા પિતાના ખાતામાંથી ૯૦ હજાર ઉપડી ગયા હતા.ડભોલી રહેતા ૪૩ વર્ષીય રત્નકલાકાર વિકાસ સવાણીએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે મોબાઇલ નંબરના ધારક સામે ચીટીંગ અને આઇટી એકટનો ગુનો નોંધ્યો છે. ૬ ઓગસ્ટે રત્નકલાકારના પુત્રએ ૨ હજારમાં સાઇકલ વેચવા માટે તેનો ફોટો ઓએલએક્સ પર મુક્યો હતો. તે જ દિવસે સાંજે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ‘આર્મીમાંથી નરેશકુમાર વાત કરૂ છું’ કહી સાઇકલ ખરીદી કરવાની વાત કરી રત્નકલાકારના પુત્રને પેમેન્ટ ઓનલાઇન કરવાની વાત કરી કહ્યું કે, ‘સાઇકલ મારો માણસ લઈ જશે’. ઠગએ કયુઆર કોર્ડ મોક્લ્યો હતો. રત્નકલાકારના પુત્રએ કોડ સ્કેન કરવા જતા પિતાના ખાતામાંથી પહેલાં ૧૯૯૯ કપાઈ ગયા હતા. પછી બીજાે કોડ સ્ક્રેન કરવા જતા ૪૯૧૪૮ રૂપિયા ઉપડી ગયા હતા. આવી જ રીતે બીજીવાર સ્ક્રેન કરવામાં ૩૯૧૪૧ની રકમ ઉપડી ગઈ હતી. ટોટલ રૂ.૯૦૨૮૮ની રકમ રત્નકલાકારના ખાતામાંથી ઉપડી ગઈ હતી.


