સુરેન્દ્રનગર
એક દારૂ ભરેલું કન્ટેનર રાણપુર તરફ આવી રહ્યું છે. તેના આધારે પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. ત્યારે રાણપુરના કિનારા ગામ પાસે આવેલા રેલવેના નાળા નીચે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ફસાઈ જતા ત્યાંથી પોલીસે કન્ટેનર ઝડપી પાડયું હતું. પોલીસને મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પકડવામાં અનાયસે સફળતા મળી હતી. આ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ધંધુકા તરફથી આવી વાયા પાળીયાદ થઈ રાજકોટ તરફ જઈ રહ્યું હતું. પોલીસે રેલવેના નાળા પાસેથી ઝડપી પાડયું હતું. બરવાળા અને રાણપુરમાં લઠ્ઠા કાંડ થયા બાદ રાણપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ અને રાણપુર પોલીસની ટીમ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. હાલ તો કન્ટેનરનો ડ્રાઇવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. દારૂનો આટલો મોટો જથ્થો કોણે મગાવ્યો હતો ? કોનો હતો ? અને ક્યાં લઇ જવામાં આવતો હતો ? તે ઉપરાંત ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.રાણપુર પાળીયાદ રોડ પર આવેલા રેલવેના નાળા પાસેથી દારૂ ભરેલું કન્ટેનર રાણપુર પોલીસે ઝડપી પાડયું હતું. કન્ટેનરમાંથી ૫૭૩ પેટી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર પંથકના દારૂનો વેપલો કરનારા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


