ગિરગઢડા
ભરત ગંગદેવ
સમગ્ર શિક્ષા અભિયાન ગીર સોમનાથ દ્વારા વેરાવળમાં બ્લોક રિસોર્સ સેન્ટર (બીઆરસી ભવન) ખાતે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. જે પછી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત યોજવામાં આવેલ દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં વેરાવળ અને તાલાલા તાલુકાના ધોરણ ૧ થી ૧૨ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરિયાત અનુસાર જુદી જુદી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જુદી-જુદી દિવ્યાંગતા (OH/CP/HI/ID) ધરાવતા કુલ ૨૯૭ લાભાર્થી દિવ્યાંગ વિદ્યાર્થીઓને વ્હીલ ચેર, ટ્રાય સિકલ, સી.પી.ચેર, હીઅરીંગ એઇડ, એ.એફ.ઓ., સ્ટીક, લેગ એન્ડ હેન્ડ ચેસીસ, કેલીપર્સ અને એમ.આર.કીટ જેવા વિવિધ જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.કે.વાજા, અગ્રણી વિક્રમભાઈ પટાટ, આદિત્ય બિરલા ઈન્ડિયન રેયોન કંપની જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપરાંત વેરાવળ અને તાલાલા તાલુકાઓની સરકારી શાળાઓના દિવ્યાંગ બાળકો, વાલીઓ તેમજ શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


