જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસને પ્રસરતો અટકાવવા અને તકેદારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકતા જાહેરનામાની અમલવારીની મુદત લંબાવવામાં આવી છે. આ જાહેરનામું તા.૨જી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. જાહેરનામા મુજબ અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકાઓમાંથી કે કોઈ ગામમાંથી જૂનાગઢ જિલ્લામાં પશુઓ લાવવા નહીં કે, લઈ જવા નહીં. આમ, જિલ્લામાં પશુઓની હેરફેર કરવી નહીં. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કોઈપણ વિસ્તારમાં પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથે રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કિન ડીસીઝના નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઈસોલેશન, વેક્સિનેશન તેમજ અનુસંગિક કામગીરી રાજ્યના પશુધનના રક્ષણ માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
