સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૬ મી જન્મજયંતિની ઉજવણી કે. કે. હાઈસ્કૂલ – સાવરકુંડલામાં કરવામાં આવી હતી. શાળાની રોજીંદી પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વિશેષ સંખ્યામાં પધારેલ મહેમાનોને શાળાના શિક્ષક ભાઈ/બહેનોએ પુષ્પ અર્પણ કરી આવકાર્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ ખડદીયા સાહેબે શબ્દોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમજ મેઘાણી જયંતિ નિમિત્તે તા. ૨૭/૦૮/૨૦૨૨ ના રોજ શાળામાં નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ – એમ બંને વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સાથોસાથ સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ મળી રહે તેવી શાળામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીની બહેનો કોઠારી નેન્સીબેન અને નાકરાણી માનસીબેને મેઘાણીની ગીત રચનાઓને ગાયન સ્વરૂપે રજુ કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહેમાનોએ પણ મેઘાણી વિષયક ગીતરચના, સાહિત્ય સર્જન, જીવન પ્રસંગો, લોકસાહિત્ય, દુહા વગેરેમાં ભાગ લઈ કાર્યક્રમની ઉજવણીને જીવંત બનાવી હતી. શાળાના નિમંત્રણને માન આપી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં મેઘાણી મેમોરિયલ કમિટી, અમદાવાદના કન્વીનરશ્રી મીનાક્ષીબેન જોશી, મેઘાણી મેમોરિયલ કમિટી, અમદાવાદના સભ્યશ્રી ભાવિકભાઈ રાજા તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, લોકસાહિત્યના જાણકાર રાજવીરભાઈ વાળા, નિવૃત્ત આચાર્યશ્રી હરિભાઈ બોરીસાગર, નિવૃત ચિત્ર શિક્ષકશ્રી બટુકભાઈ ભડકોલીયા, કે.કે. હાઈસ્કૂલના નિવૃત્ત OS અને બનજારા સ્કૂલના નિયામક સતિષભાઈ માટલીયા, રતિભાઈ બોરીસાગર, ગીતાબેન જોશી, ચેતનભાઇ મહેતા, જનકભાઈ દવે, જયેશભાઈ જોશી, વનરાજભાઈ વાળા અને પત્રકાર પાંધી સાહેબ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રફિકભાઈ ભોરણીયાએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં આભારવિધિ શાળાના શિક્ષકશ્રી કમલેશભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ખડદીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને શાળાના સ્ટાફ પરિવારના સહયોગથી મેઘાણી જયંતિના કાર્યક્રમને સફળ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો.


