જામનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ અંતર્ગત કુટુંબ કલ્યાણ શાખાની પી.સી. &પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સલાહકાર સમિતિ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં જિલ્લા સી.ડી.એચ.ઓ. શ્રી ડો. પી.એન. કન્નરના અધ્યક્ષસ્થાને પી.સી. પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક વેરિફિકેશન રીવ્યુ, 2 રીન્યુઅલ રજીસ્ટ્રેશન બાબતે સમિતિના સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સમિતિના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓએ જણાવ્યું હતું કે ગામડાઓમાં લોકો સવારે ખેતરમાં કામ કરતા હોવાથી રાતે દરેક તાલુકામાં તાલુકા સી.ડી.એચ.ઓ. શ્રી દ્વારા રાત્રીસભાનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, ‘સાસુ સંમેલન બેઠક‘ પણ ગ્રામ્યકક્ષાએ યોજવામાં આવશે. જેથી વહુઓ અને સાસુઓ વચ્ચે ખુલ્લા મને વાત થાય, તેમજ દીકરો દીકરી એક સમાન છે આ વિચાર દરેક ગ્રામજન સમજે. આ દરમિયાન 5 માસથી લઈને 9 માસ સુધીની તમામ ગર્ભવતી માતાઓને શુદ્ધ ઘીનો શીરો આપવો, જેથી તેમનું અને તેમના બાળકનું આરોગ્ય સારું રહે. આગામી 3 મહિના સુધીમાં કુટુંબ કલ્યાણ શાખા દ્વારા જેટલા પણ લક્ષ્યાંક નિર્ધારિત કરાયા છે, તે તમામ 100% પરિપૂર્ણ થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. આ માટે તાલુકા કક્ષાએ ગ્રાન્ટની ફાળવણી પણ વધુ કરાશે. હવેથી 24 કલાકની અંદર તમામ હોસ્પિટલ્સ અને ક્લિનિકે પોતાનું રીન્યુઅલ અથવા ન્યુ રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનું રહેશે. આ ઉપરાંત, MTP મેડિસિન હવેથી ડોક્ટર્સના પ્રિસ્ક્રિપશન વગર ખરીદી શકાશે નહીં. જે દુકાનદર અથવા કેમિસ્ટ આ દવાનું ગેરકાયદેસર વેંચાણ કરશે, તો આ સજાને પાત્ર ગુનો બનશે.
આ બેઠકમાં જિલ્લા એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. પી.એન. કન્નર દ્વારા હાજર તમામ સદસ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જી.જી. હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગના શ્રી ડો. તૃપ્તિ નાયક, માઈક્રોબાયોલોજી વિભાગના શ્રી ડો. રશ્મિકા પરમાર, રેડીયોલોજી વિભાગના શ્રી ડો. એમ. ટી. માંકડા, સરકારી વકીલ શ્રી જમનભાઈ ભંડેરી, ધ્રોલ સી.ડી.એચ.ઓ. શ્રી ડો. અલ્તાફ વૈશ્નાણી, જોડિયા સી.ડી.એચ.ઓ. શ્રી ડો. સંજય સોમૈયા, કાલાવડ સી.ડી.એચ.ઓ. શ્રી ડો. બી.સી. રાઠોડ, લાલપુર સી.ડી.એચ.ઓ. શ્રી ડો. પી.ડી. પરમાર તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

