Gujarat

ગોંડલથી જેતપુર પંથકમાં પહોંચેલ સિંહે ઉમરાળીમાં બે વાછરડીનું મારણ કર્યું

ફફડાટ ફેલાવનાર સાવજને પાંજરે પૂરવા વન વિભાગની તજવીજ શરૂ
છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ જિલ્લામાં ફરી આવી ચડેલો 6 થી 8 વર્ષની ઉમરનો એક સિંહ જે ગોંડલ પંથકમાં આંટાફેરા કરતો હતો તે સિંહ હવે ગઇકાલે જેતપુર પંથકમાં દેખાયો હોવાનું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વન વિભાગનાં સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એકાદ અઠવાડિયાથી ગોંડલ પંથકમાં હડમડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આટાફેરા કરી રહેલો બે બળદનું મારણ કરનાર સિંહ ગઇકાલે મોડી રાત્રિના જેતપુર પંથકમાં દેખાયો હતો અને ખેડૂતની બે વાછડીનું મારણ પણ કર્યું હતું.
જેતપુર જિલ્લા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર મોરડીયાના જણાવ્યા અનુસાર ગોંડલના રેવન્યુ વિસ્તારમાં દેખાયેલો સિંહ ગઇકાલે મોડી રાત્રે 1.30 કલાકે જેતપુરના ઉમરાળી ગામે દેખાયો હતો અને આ સિંહે ધવલભાઈ લક્ષ્મણભાઈ ભંડેરી નામના ખેડૂતની બે વાછરડીના મારણ કર્યા હતા.આ અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને સિંહને ટ્રેક કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવેલ છે. દરમિયાન આરએફઓ મોરડીયાએ ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોને ખાસ અપીલ કરેલ છે કે વાડી અને ખેતરના શેઢે વીજ કરંટ કે વીજ ઝટકા ગોઠવવા નહીં
તેમજ પશુઓને સલામત જગ્યાએ રાખવા. આ ઉપરાંત ગ્રામજનોએ પણ મોડી રાતના સમયે ઘરની બહાર નીકળવું નહીં. વધુમાં વન વિભાગનાં આધારભૂત સુત્રોમાંથી મળી રહેલી વિગતો મુજબ ગોંડલ અને જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ ખેડૂતો અને પશુપાલકો દ્વારા આ સિંહને પાંજરે પૂરવા માટે વન વિભાગને રજૂઆતો કરેલ છે. જેના પગલે વન વિભાગ દ્વારા આ સિંહને પણ પાંજરે પૂરવા માટે તજવીજ શરુ કરી દેવામાં આવેલ છે. ટૂંંક સમયમાં આ સિંહને પાંજરે પૂરી ફરી ગિરનારના જંગલમાં છોડી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

IMG-20220928-WA0138.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *