ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી વાસદ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જેમાં વાપી, રાજકોટ, જામનગર, પાટણ, અમદાવાદ, દાહોદ, ગોધરા એટલે કે સમગ્ર ગુજરાતમાંથી ૨૫ થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો. ભાઈઓ બહેનોની આ ટેબલ ટેનિસ સ્પર્ધા બે દિવસ ચાલી હતી. જેમાં બીજા દિવસે ભાઈઓની ફાઇનલમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદની ટીમે એસ.વી.આઇ.ટી. વાસદની ટીમને ૩ – ૧ થી હરાવી સતત બીજા વર્ષે ચેમ્પિયનશીપ મેળવી હતી અને એસવીઆઈટીની ટીમ સતત બીજા વર્ષે ઉપવિજેતા રહી હતી.
બહેનોની સ્પર્ધામાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ ની ટીમે બી.એન.બી. ફાર્મસી કોલેજ, વાપીને ૩ – ૧ થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી.
સ્પર્ધામાં મુખ્ય રેફરી તરીકે શ્રી શૈલેષ ગોસાઈ એ સેવાઓ આપી હતી અને તેમની ટીમને પંચ તરીકેની સુંદર કામગીરી કરી હતી.
સ્પર્ધા પછી જીટીયુની આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ડોક્ટર જગજીતસિંહ સિંહ ચૌહાણ દ્વારા સિલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આમાં પાંચ ભાઈઓ અને પાંચ બહેનોની પસંદગી કરવામાં આવી છે જે હવે પછી આવનાર સમયમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ટીમ તરીકે અંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે.
જીટીયુ ઓબ્ઝર્વડ તરીકે ડોક્ટર અજીતસિંહ ગોહિલ (પ્રિન્સિપલ ફિઝિકલ એજ્યુકેશન કોલેજ, મોગરી) ઉપસ્થિત રહી સ્પર્ધાના સંચાલન પર નજર રાખી હતી અને વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
સ્પર્ધાના સમાપન સમારોહમાં એસ.વી.આઇ.ટી.ના સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડી.પી. સોની અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમના દરેક સભ્યને મેડલ અને ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
જીટીયુ આંતર ઝોનલ ટેબલ ટેનિસ સ્પર્ધા નું સંચાલન ડૉ. વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ) દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

