ઉદયપુર
રાજસ્થાનના ઉદયપુરમં આસામાજિક તત્વોએ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની મૂર્તિને તોડીને ફેંકી દીધી અને તેમની જગ્યાએ માતાજીની મૂર્તિ લગાવી દીધી હતી. ઘટનાની જાણકારી થતાં ગામ લોકો અને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. આસામાજિક તત્વો તરફથી તોડવામાં આવેલી પૂર્વ પ્રધાનમંત્રીની મૂર્તિ કેટલાય વર્ષોથી અહી લગાવેલી હતી. તેની જાણ થતાં પોલીસે તાત્કાલિક માતાજીની મૂર્તિ હટાવીને આ ગાર્ડનને સીલ કરી દીધો છે. પોલીસ આરોપીઓની તપાસમાં લાગી ગઈ છે. જાે કે, હાલમાં કોઈ સગડ મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉદયપુરના માવલી તાલુકાના ધાસા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રખ્યાવલ ગામમાં થઈ છે. ત્યાંના સંજય ગાર્ડનમાં વર્ષ ૧૯૮૫માં હનુમાન પ્રસાદ પ્રભાકર દ્વારા ઈંદિરા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. ત્યાર બાદ દર વર્ષે અહીં ઈંદિરા ગાંધી એકતા મેળો આયોજીત થાય છે. શુક્રવારે રાતે અજાણ્યા શખ્સો દ્વારા આ મૂર્તિ તોડીને ફેંકી દેવામાં આવી હતી અને તેની નીચે લગાવી તખ્તી પણ ભૂંસવાની કોશિશ કરી હતી. આસામાજિક તત્વોએ ઈંદિરા ગાંધીની મૂર્તિની જગ્યાએ ત્યાં માતાજીની મૂર્તિ લગાવી દીધી હતી. માતાજીની જે મૂર્તિ લગાવી છે તે હાલમાં નવરાત્રિ દરમિયાન વિસર્જન કરાયેલી હતી. શનિવારે સવારે જેવી આ ઘટના વિશે જાણ થઈ ગામના પૂર્વ સરપંચ તુલસીરામ ડાંગી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૂચના મળતા પોલીસ ત્યાં આવી અને પાર્કને સીલ કરી દીધો હતો. ઉદયપુર એસપી વિકાસ શર્માએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. વિકાસ શર્માએ કહ્યું છે કે, પોલીસે ફરિયાદ નોંધી તપાસમાં લાગી ગઈ છે. ઇંદિરા ગાંધીની મૂર્તિને તોડીને બીજી મૂર્તિ લગાવી દીધી છે. ટૂંક સમયમાં જ ઈંદિરા ગાંધીની મૂર્તિ અહીં લગાવવામાં આવશે અને ગામલોકોની માગ છે કે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય.


