સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સંયુક્ત કિસાન મોરચાના નેજા તળે સિંધુ બોર્ડર દિલ્હીમાં થયેલ ઐતિહાસિક લડતની જીત થઈ – ત્રણ કૃષિ કાનૂન કેન્દ્ર સરકારે પાછા ખેંચવા પડ્યા ત્યારે નવા વીજ બિલને પણ રદ કરવાની તેમજ MSP (ટેકાના ભાવ) ની ગેરંટી આપેલ, પરંતુ હજુ સુધી ગુજરાતમાંથી કૃષિ કાનૂન રદ થયા નથી, સાથે સાથે સમગ્ર દેશમાં ફરી નવું વિજ બિલ – 2021 સંસદમાં પાસ કરવા માટે મૂકવામાં આવ્યું છે જે કિસાનો સાથે દગો કરવા બરાબર છે. ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન – ગુજરાત યુનિટે સાવરકુંડલા તાલુકા મામલતદાર શ્રી ને આજરોજ આવેદનપત્ર આપીને માંગ કરી છે કે MSP ની ગેરંટી આપવામાં આવે, નવું વીજ બીલ પડતું મૂકવામાં આવે અને તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકારે પાછા ખેંચેલા કૃષિ કાનૂનને ગુજરાતમાંથી પણ રદ રદ કરવામાં આવે.
મામલતદારશ્રી ને આવેદનપત્ર આપતી વખતે A.I.K.K.M.S. ગુજરાત યુનિટના સંયોજક પ્રો. કનુભાઈ ખડદીયા,જાબાળ ગામના સરપંચ શ્રી જયદીપભાઇ ખુમાણ, સેંજળ ગામના સરપંચ શ્રી નરેશભાઈ ખુમાણ, મોટા ઝીંઝુડા ના સરપંચ પંકજભાઈ ઉનાવા, સાવરકુંડલાના જાણીતા એડવોકેટ રસિકભાઈ નસીત, દિલાવરભાઈ કુરેશી, સલીમભાઈ ચાવડા તથા આંબાભાઈ ખેત મજદૂર સાવરકુંડલા અને મોટા ઝીંઝુડા ગામના અન્ય અગ્રણી ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહેલા હતા. નવા કૃષિ કાયદાના અમલના પગલે 224 APMC પૈકીની મોટાભાગની આર્થિક કટોકટીનો ભોગ બની રહી છે માર્કેટ ફી (સેસ) ની આવક બંધ થતા 18 APMC ને તાળા લાગી ગયા છે. સાવરકુંડલાની APMC માં પણ સેસની આવક બંધ થવાથી આવકમાં મોટો ઘટાડો થયો છે. જો નવા વીજ બીલનો અમલ થશે તો વીજળી પ્રાથમિક સેવા ન રહેતા વેપાર કે નફો રળવાની વસ્તુ બની જશે ને આમ જનતાને માથે મોટો બોજ આવશે. આવી કટોકટી ભરી પરિસ્થિતિ વચ્ચે કિસાનો તેમજ આમ જનતાના હિતની રક્ષા માટે તાત્કાલિક અસરથી નવું વિજબીલ પડતું મુકવા, નવા કૃષિ કાનુનનો અમલ બંધ કરવા તેમજ MSPની ગેરંટીની માંગ ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન – ગુજરાત કરે છે. એમ ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન ગુજરાતનાં સંયોજક પ્રો. ડો. કનુ ખડદિયાની એક યાદીમાં જણાવાયુ હતું.


