રાજયમાં ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૨ ઋતુમાં રાજયના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું. જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલા આંકલન મુજબ છોટાઉદેપુર જિલ્લાના ૫૨૪ ગામના ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવવામાં આવશે.
ગત જુલાઇ માસમાં છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેતી પાકોને થયેલા નુકસાન અંગે વિગતવાર આંકલન કરી રાજય સરકારમાં અહેવાલ સાદર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ૫૨૪ ગામોના ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવવામાં આવશે.
રાજયના ૧૪ જિલ્લાના ૨૫૫૪ ગામો ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા. રાજય સરકાર દ્વારા આ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ આપવાનું નકકી કર્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પણ અસરગ્રસ્ત ૫૨૪ ગામોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે.
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર. ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭/૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઇ.એફ.એસ.સી કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુકત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર વગેરે સાધનિક કાગળો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલી નિયત નમૂનામાં અરજી તા. ૦૧/૧૧/૨૦૨૨ થી તા. ૨૫/૧૧/૨૦૨૨ સુધીમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ પર વી.સી.ઇ/વી.એલ.ઇ મારફત અરજી કરવાની રહેશે. ખેડૂતોને અરજી કરવા માટે કોઇ ચૂકવણું કરવાનું રહેશે નહીં એમ જણાવાયું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
