*અમરેલી આર.ટી.ઓ. કચેરીએ જરૂરીયાતમંદ લોકોને સહાયતા કીટ અર્પણ કરી*
તા. ૧૦ એપ્રિલ, અમરેલી
સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ જીવી રહ્યું છે. લોકડાઉનના કારણે રોજગાર ધંધા બંધ થતાં લોકો કામકાજ વગર ઘર ચલાવવા અસમર્થ બન્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી(મોટર વાહન ખાતા) તરફથી વિધવા, દિવ્યાંગ, વૃધ્ધોના કુટુંબની ઓળખ કરી વિસ્તાર પ્રમાણે જરૂરીયાતમંદ લોકોને કચેરી તરફથી સહાયતા કીટ અધિક કલેકટરશ્રી એ.બી. પાંડોરના હસ્તે અર્પણ કરવામાં આવી છે.
આર.ટી.ઓના અધિકારી શ્રી આઇ.એસ.ટાંક અને શ્રી પી.આર.પઢીયારે જણાવ્યું હતું કે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ જેવી ઘઉં, ચોખા, તેલ, મગ, ચા-ખાંડ,બટાકા ડુંગળીની અંદાજે ૨૧ કિલોની એક કીટ એવી કુલ ૧૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને ૫ કિલો બટાકા અને ૨ કિલો ડુંગળી ની કુલ ૫૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જરૂરીયાતમંદ લોકોના વધુ કુટુંબની ઓળખ કરી વધુ કીટ વિતરણ કરવામાં આવશે.
જરૂરીયાતમંદ કુટુંબને વિસ્તાર વાઇઝ કીટ વિતરણ કરવામાં આર.ટી.ઓ. અમરેલી સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રીએ એ.આર.ટી.ઓ. કચેરી અમરેલીની માનવતાસભર કામગીરીને બીરદાવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)