*અમરેલી જિલ્લામાં આજથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ*
*૧૭ મી એપ્રિલ સુધી જિલ્લાના ૨.૨૬ લાખ કાર્ડધારકોને મળશે લાભ*
*રેશનકાર્ડ નંબરના છેલ્લા અંક પ્રમાણે તારીખવાર રાશન વિતરણની કરાઈ વ્યવસ્થા*
તા. ૧૩ એપ્રિલ, અમરેલી
કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તા.૧૪ મી એપ્રિલ, ૨૦૨૦ સુધી જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન ૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં રાજ્ય સરકારે NON-NFSA APL-1 કાર્ડધારકોને નિર્ધારિત પ્રમાણમાં અનાજનો જથ્થો પુરો પાડવાની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી જિલ્લાના APL-1 કાર્ડધારકોને તા.૧૭ મી એપ્રિલ સુધી રેશનકાર્ડ દિઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા.ચોખા, ૧ કિ.ગ્રા.ખાંડ તથા ૧ કિ.ગ્રા.ચણા/ચણાદાળનાં વિનામૂલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ કરાયો છે. સંજોગોવસાત નિયત તારીખ મુજબ અનાજનો જથ્થો ન મેળવનાર કાર્ડધારકો તા. ૧૮ મી એપ્રિલના રોજ અનાજનો જથ્થો મેળવી શકશે.
અમરેલી શહેરી વિસ્તારના વાજબી ભાવના દુકાનના સંચાલકશ્રીએ જણાવ્યું હતું કે, આજથી વાજબી ભાવની દુકાનોએથી NON-NFSA APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા.ચોખા, ૧ કિ.ગ્રા.ખાંડ તથા ૧ કિ.ગ્રા.ચણા/ચણાદાળ આપવામાં આવે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની તકેદારી પણ રાખવામાં આવે છે તેમજ સરકારશ્રી તરફથી પુરતા પ્રમાણમાં જથ્થો પણ ઉપલબ્ધ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
લાભાર્થી વાલજીભાઈએ જણાવ્યું હતું કે, વાજબી ભાવની દુકાનેથી મને અત્યારે ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા.ચોખા, ૧ કિ.ગ્રા.ખાંડ મળી છે એટલે મને હવે લોકડાઉન દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી નહી પડે તેમજ સરકાર તરફથી આપવામાં આવતું અનાજ પણ સારૂ છે તેથી હું સરકારનો આભારી છું.
અમરેલી શહેરી વિસ્તારના લાભાર્થી શ્રીમતી શોભનાબેને જણાવ્યું હતું કે, અમારી પાસે એપીએલનું રેશનકાર્ડ છે તેથી વાજબી ભાવની દુકાનેથી અમને ઘઉં, ચોખા, દાળ અને ખાંડનો જથ્થો આપવામાં આવ્યો છે. અહીંના અધિકારીઓએ સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ખૂબ મદદરૂપ થાય છે અને વારંવાર સેનીટાઇઝેશનનો ઉપયોગ કરવા અપીલ કરે છે. માત્ર ૧૦-૧૫ મિનિટમાં દરેકના વારા પ્રમાણે બોલાવે છે. આવા સુચારુ આયોજનથી અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અંગે વધુ એક લાભાર્થી શ્રી કિશોરભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે મારી પાસે એપીએલનું રેશનકાર્ડ હોવાથી મને આજે ઘઉં ,ચોખા અને ખાંડ મળી હોવાથી હું અત્યંત ખુશ છું અને સરકારનો હું આભાર માનું છુ.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)