સુરતથી આવેલા બગસરાના વતની ૧૧ વર્ષીય તરુણને કોરોના પોઝિટિવ
કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા બે
બગસરા શહેરમાં તેનાં રહેણાંકના ૫૦૦ મિટર આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાશે
અમરેલી, તા. ૧૭/૦૫/૨૦૨૦
અમરેલી જિલ્લામાં લોકડાઉનના ૫૦ દિવસ બાદ સુરતથી આવેલા વૃદ્ધાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજરોજ અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. ૧૩ મે ના સુરતથી અમરેલી આવેલા ૧૧ વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટરશ્રીએ કેસ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ તરુણ સુરતના વરાછા વિસ્તારમાંથી એસ.ટી.બસ મારફતે અમરેલી પહોંચ્યા હતા. અને તેમને તાવના લક્ષણ જણાતાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અને આજે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને કોરોનાની લગતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બગસરામાં તેમના રહેણાંકના ૫૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ તંત્ર દ્વારા યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકોને તાલુકા મથકના કોરેન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવશે. તેમાંથી જો કોઈ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેમને સમયાંતરે જરૂરિયાત મુજબ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
————
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756