શિક્ષિત દીકરી બે પરિવારને તારે છે : કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુ
ધારી ખાતે કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
બેન્ક દ્વારા વિવિધ મહિલા જૂથોને નાણાંકીય લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું
અમરેલી, તા: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦
ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન વેબકાસ્ટિંગના માધ્યમથી આ યોજનાનું ઈ-લોન્ચિંગ કર્યું હતું.
કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની માતા અને બહેનોના જીવનમાં આર્થિક ઉન્નતિ લાવવાના હેતુથી આ યોજના અમલમાં લાવી છે. આ યોજના થકી મહિલાઓ સ્વરોજગારી અને વ્યવસાયિક ક્ષેત્રે અનેક લાભો થશે એવી આશા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું દીકરી એ તો વ્હાલનો દરિયો છે. આંગણામાં દીકરી હોવી એ તો એક પરિવારના નસીબની વાત છે. શિક્ષિત દીકરી બે પરિવારને તારે છે. પોતાના બન્ને પરિવારની સાથે સાથે પોતાના બાળકોનો પણ ઉછેર કરે છે. મુખ્યમંત્રીશ્રીની આ યોજના ગુજરાતની દરેક મહિલાઓની નારી શક્તિમાં નવા પ્રાણ પુરશે એવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.
કૃષિમંત્રીશ્રીએ મહિલા ઉત્કર્ષ યોજનાથી ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરી હતી. આ યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની આર્થિક ઉપાર્જન મેળવતા થાય તે માટે ઝીરો ટકા વ્યાજે મહિલાઓના મંડળને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. મહિલાઓને પગભર બનવા અને સ્વાવલંબી બનવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મહિલાઓ પુરુષ સમકક્ષ બની પરિવારનું ભરણપોષણ કરે છે ત્યારે સરકારે મહિલાઓની ચિંતા કરીને તેમના માટે આ યોજના અમલમાં લાવી છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર મહિલાઓના વિકાસ માટે અવિરત કાર્યરત છે. પારદર્શક વહીવટ સાથે સરકારે બહેનોના ખાતામાં સીધે સીધા પૈસા જમા થાય તેવી વ્યવસ્થા કરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા કૃષિમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર વિશ્વમાં ભારત દેશએ એક વિશિષ્ટ ગણના મેળવી છે. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે અને ઈશ્વર એમને ૧૩૦ કરોડ દેશવાસીઓની વધુમાં વધુ સેવા કરવાનું બળ પૂરું પાડે એવી પ્રાર્થના કરી હતી.
નોંધનીય છે કે ગુજરાતના ૭૦ જેટલા સ્થળો પર મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોન્ચિંગ કર્યું હતું. મહિલા અને બાળકલ્યાણ અધિકારી રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ આજના પ્રસંગે મહિલાઓના હિતની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ.,ડોબરીયા અગ્રણી શ્રી હિરેનભાઈ હિરપરા અશ્વિનભાઈ, જયરાજભાઈ, મધુબેન તેમજ ધારી વિસ્તારના સખી મંડળોના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


