નવીદિલ્હી
નાગપુરમાં એગ્રો વિઝન એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા તોમરે વિવાદાસ્પદ કાયદાને રદ કરવા માટે કેટલાક લોકોને દોષ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે કૃષિ કાયદા લાવ્યા હતા. પરંતુ કેટલાક લોકોને તે ગમ્યા નહોતા પરંતુ સ્વતંત્રતાના ૭૦ વર્ષ બાદ તે મોટો સુધારો હતો. જાેકે, કાયદા રદ થવા બદલ સરકાર નિરાશ નથી. અમે એક ડગલું પાછળ હટીશું અને એક ડગ આગળ વધીશું. કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે અને જાે કરોડરજ્જુ મજબૂત હશે તો દેશ મજબૂત બનશે. તોમરના નિવેદન બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ બાદ ફરીવાર ત્રણ કૃષિ કાયદા સુધારા સાથે લાવવાની યોજના ઘડી રહી છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે તોમરના નિવેદને ફરીવાર કેન્દ્રની કૃષિ કાયદા પરત લાવવાનું કાવતરું ઉઘાડું પાડયું છે. આ સ્પષ્ટ છે કે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી સંપન્ન થઇ જાય તે બાદ તેની નવા સ્વરૂપમાં આ કાળા કાયદા લાવવાની યોજના છે.કૃષિ કાયદા પરત લવાશે તેવા નિવેદન મુદ્દે વિવાદનો વંટોળ સર્જાયા બાદ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર સુધારાયેલા સ્વરૂપમાં કૃષિ કાયદા ફરી રજૂ નહીં કરે. તોમરે નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવા બદલ નિરાશ નથી અને તે ફરી તે દિશામાં આગળ વધશે.
