સુરત,
સુરત શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલ માર્કેટમાં લગભગ તમામ રસ્તાઓ ખરાબ છે. ફ્લાયઓવરની નીચેના રસ્તા, ગલીઓના આંતરિક રસ્તા, સહરા દરવાજા જંક્શન પાસેના રસ્તા, બારડોલી રોડ વગેરે તમામ વિસ્તારમાં તૂટેલા ફૂટેલા રસ્તાઓને કારણે હજારો વેપારીઓ, ગ્રાહકો તથા ટ્રાન્સપોર્ટેશનવાળાઓની મુશ્કેલી વધી રહી છે. આ અંગે ફોસ્ટાએ પાલિકામાં ત્રણ વખત રજૂઆત કરી હોવા છતાં રસ્તા રિપેર કરવામાં આવ્યા નથી.દિવાળી બાદ પાંચમના શુભ મૂર્હત બાદ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ખુલી ગઈ છે, પરંતુ રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટવિસ્તારના રોડ પર ખાડાઓ વધારે હોવાથી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, મ્યુનિસિપલ કમિશનરને ત્રણ ત્રણ વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજૂ સુધી રોડ રિપેર કરવામાં આવ્યો નથી. રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બે-ત્રણ મહિનાથી લગભગ તમામ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, જેથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હવે લગ્નસરાની સિઝન શરૂ થઈ જતાં વેપારીઓએ જાેરશોરથી તૈયારી શરૂ કરી છે. પરંતુ કાપડના પાર્સલોની અવર-જવર કરતાં ટેમ્પોને મુશ્કેલી ઉભી થઈ રહી છે. આખો દિવસ ટ્રાફિક જામ રહે છે. ફોસ્ટાએ પાલિકાને ત્રણ-ત્રણ વખત રજૂઆત કરી હોવા છતાં રોડ રિપેર થતા નથી. બીજી તરફ નાના અને થ્રી વ્હીલ ટેમ્પોના આગળના વ્હીલની બેરિંગ તૂટી રહી છે. શહેરમાં રિંગ રોડને બાદ કરતાં અનેક રોડ રિપેર કરાયા છે.
