પેટા
મિત્રની યાદમાં મિત્ર ચંદુભાઈ મકવાણાની સ્તુત્ય સેવા
સાંપ્રત સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણીમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે. ત્યારે જેતપુરના યુવાને પોતાના અને પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે અનોખો રાહ ચિંધ્યો છે.
અત્યાર સુધી સૌ સાંભળતા આવ્યા છે કે કોઈ પણ ઘરમાં કે ગામ અને શહેરના સ્મશાન ઘાટમાં દેવી-દેવતાઓની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હોય છે. પરંતુ જેતપુરના યુવાને પોતાના પોતાના સ્વર્ગીય યુવાન મિત્રની મૂર્તિની જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપન કરીને છેલ્લા પંદર, વીસ વર્ષથી નિયમિત રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
આ બાબતેની વિગતો જોઈએ તો મૂળ ભાવનગરના કોળી સમાજના ચંદુભાઈ મકવાણા પહેલા ભાવનગર રહેતા હતા. ત્યારે તેમના મિત્ર અપ્પુભાઈનું અકસ્માતમાં અવસાન થતાં તેઓ ભાંગી પડ્યા હતા.
મિત્રની યાદગીરીનું સંભારણું કાયમી રીતે જળવાઈ રહે તે માટે ચંદુભાઈ મકવાણાએ એક અનન્ય નિર્ણય કરીને પોતાના સ્વર્ગસ્થ મિત્રના જન્મદિવસની ઉજવણી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ચંદુભાઈ મકવાણા અને તેમના મિત્ર અપ્પુભાઈનો જન્મદિવસ એક જ તારીખે આવે છે. તેઓ સાથે જ નાના મોટા થયા હતા. પરંતુ આકસ્મિક અવસાનમાં મિત્ર પપ્પુભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું.
પ્રતિ વર્ષે ૨૯મી ડિસેમ્બરે બંને મિત્રો ચંદુભાઈ અને અપ્પુભાઈનો જન્મદિવસ આવે છે. બંનેના જન્મદિવસની કંઈક જુદી રીતે ઉજવણી કરવા માટે ચંદુભાઈ સતત વિચારતા હતા.
મિત્ર અપ્પુભાઈની ગેરહાજરીમાં ચંદુભાઇએ ભાવનગર છોડીને રાજકોટ જિલ્લાના સાડી નગરી તરીકે ઓળખાતા જેતપુર શહેરને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું હતું. એક દિવસ ચંદુભાઈ મકવાણા જેતપુરના સ્મશાન ઘાટમાં જતા તેમણે હિન્દુ સમાજના દેવી-દેવતાઓની મૂર્તિઓ જોઈ હતી.
આ વાતની પ્રેરણા પરથી ચંદુભાઇએ પોતાના મિત્ર અપ્પુભાઈની મૂર્તિ પણ સ્થાપન કરવાનું વિચારીને નિયમિત યાદગીરી માટે નિયમિત અગરબત્તી, ધૂપ, ફુલ શરૂ કર્યા હતા. મિત્રની મૂર્તિ જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપિત કર્યા બાદ નવો ધંધો શરૂ કરવાનું વિચારી ચંદુભાઇએ અપ્પુ કન્ટ્રકશન નામથી ધંધો શરૂ કર્યો હતો.
આ ધંધામાં તેઓ રાત દિવસ પ્રગતિ પામતા તેમણે પોતાના અને પોતાના મિત્રનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. ચંદુભાઈ મકવાણા દર વર્ષે ૨૯મી ડિસેમ્બરે જેતપુરના સ્મશાન ખાતે પહોંચીને પોતાના મિત્રની મૂર્તિ સમક્ષ કેક કાપીને અન્ય મિત્રો ઉપરાંત બહેરા મૂંગા શાળાના બાળકો ને સ્મશાને બોલાવીને તેઓને કેક ઉપરાંત બિસ્કિટ અને નાસ્તો કરાવીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરે છે.
ત્યારે મિત્રની યાદગીરી માટે મૂર્તિ સ્થાપીને દર વર્ષે નિયમિત રીતે બંને મિત્રોના જન્મદિવસની ઉજવણી કરતા ચંદુભાઈ મકવાણા જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં સરાહના પામ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર


