ગાંધીનગર
આમ તો ગુજરાત રાજ્યનું પાટનગર ગ્રીન, ક્લીન અને શાંતિપૂર્ણ શહેર ગણાય છે પણ તાજેતરમાં બનેલી ઘટના ચોકાવનારી છે. ગાંધીનગર શહેરના ઘ-૬ સર્કલ નજીક ગઈકાલે મોડીરાત્રે બે વર્ષ જૂની અદાવતમાં નવ જેટલાં શખ્સોએ તલવારના ઘા ઝીંકી લોખંડની પાઇપો અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે બે યુવાનોની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાં પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં બે યુવાનો પૈકી એક યુવાનને માથાના ભાગે તલવાર વડે હુમલો કરાતાં તેને પણ ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે સેકટર – ૨૧ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના કોલવડા ગામે રહેતો ૨૨ વર્ષીય કેતનસિંહ નરૂકા સેકટર-૧૫ની કોલેજમાં અભ્યાસ કરે છે અને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી પણ કરે છે. ગઈકાલે રાત્રે કેતન તેના મિત્રના ઘરે વાંચીને ઘરે પરત જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેનો મિત્ર હેમરાજ મળ્યો હતો અને કહેવા લાગેલો કે, લીંબોદરા ગામનો જગતસિંહ વાઘેલા અને બિલ્લો વાઘેલા બે વર્ષ અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી આપણાં મિત્ર કુલદીપસિંહ સાથે માથાકૂટ કરી રહ્યો છે. આથી કેતન અને હેમરાજ બાઈક પર ગાંધીનગર આવવા રવાના થયા હતા. રસ્તામાં કુલદીપસિંહ, જતનસિંહ, અને ભાવેશસિંહ આઈ ટેન ગાડી લઈને સામે મળ્યા હતા અને બધા ગાડીમાં બેસી ગાંધીનગર આવી રહ્યા હતા. આ દરમિયાન કુલદીપસિંહનાં ફોન પર જગતસિંહ, બિલ્લો અને દાદુભાનાં સતત ફોન કરીને બોલાવતાં હતા. જેથી તેઓ ઝગડો કરશે તેવું લાગતા કુલદીપસિંહે તેના બીજા મિત્રો શૈલેન્દ્રસિંહ, જયદીપ સિંહ ઉર્ફે ઉંધી સહિતના અન્ય મિત્રોને પણ બોલાવી લીધા હતા.
આમ બધા વાહનો લઈને ઘ-૬ પહોંચ્યા હતા. જ્યાં રિક્ષા સ્ટેન્ડ પાસે અગાઉથી જગતસિંહ, બિલ્લો અને બીજા છ શખ્સો ઉભા હતા. એ વખતે એક સફેદ કલરની કાર આવી હતી જેમાથી એક ઈસમ બૂમો પાડીને કહેવા લાગેલો કે આમાંથી કોઇને છોડશો નહીં, બધાને પતાવી દો. આથી જગતસિંહ, બિલ્લો તેમજ દાદુ વાઘેલા સહિત અન્ય છ લોકો હાથમાં તલવાર, લોખંડની પાઇપો અને ધોકા લઈને તેઓની તરફ આવ્યા હતા. હુમલામાં ઘાયલ કેતન પણ જીવ બચાવીને ખાનગી વાહનમાં બેસીને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે પહોંચી ગયો હતો. જેની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન થોડી વારમાં કુલદીપસિંહને બેભાન હાલતમાં સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યાં બન્નેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા.
હાલમાં કુલદીપસિંહની બેભાન હાલતમાં સારવાર ચાલી રહી છે. જ્યારે કેતનસિંહની ફરિયાદના આધારે સેકટર-૨૧ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જાેઈને કુલદીપસિંહની સાથેના મિત્રો ગભરાઈને ભાગી ગયા હતા. બાદમાં કેતન અને કુલદીપસિંહને ઉક્ત ઈસમોએ ઘેરી લીધા હતા અને ગાડીમાં તોડફોડ કરી હથિયારો વડે તૂટી પડ્યા હતા. તલવારના ઘા ઝીંકીને કુલદીપસિંહને માથામાં ગંભીર હૂમલો કર્યો હતો, જેના કારણે તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
