Gujarat

વડોદરામાં થર્ટી ફર્સ્ટ ન ઉજવાય તે માટે પોલીસ એકશન મુડમાં તૈનાત

વડોદરા
વડોદરા શહેર પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર અને રાત્રિ કર્ફ્‌યૂને ધ્યાનમાં રાખી નાઇટ પેટ્રોલિંગ સઘન કર્યું છે. છેલ્લા પખવાડિયાથી પોલીસ નાઈટ પેટ્રોલિંગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને હિસ્ટ્રીશીટરોના મકાનોની તપાસ કરવાની સાથે વાહન ચાલકોની ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસને આ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, ચીજ વસ્તુઓ પણ મળી રહી છે. ખાસ કરીને બ્રીથ એનેલાઇઝર વડે વાહનચાલકોની ચકાસણી કરાતા નશાખોરો પણ ઝડપાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ પોલીસે માંડવી, તરસાલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન શહેરની બહાર જતા અને શહેરમાં પ્રવેશતા વાહનો આ અંગે પણ પોલીસે તકેદારી રાખી ચેકિંગ કામગીરી કરી હતી. કોરોનાના કહેર વચ્ચે વિદાય લઇ રહેલા વર્ષ-૨૦૨૧ના અંતિમ દિવસને આડે ગણતરીના કલાકો બાકી રહેતા પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેરના પગલે બે વર્ષથી વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરની ઉજવણી ન્યુ યરના વધામણાં લોકોને ઘરમાં જ કરવાનો વખત આવ્યો છે. આ વખતે પણ કોરોનાના વધી રહેલા કેસોને પગલે વર્ષના અંતિમ દિવસની ઉજવણી ફીક્કી રહેશે. ઉત્સાહી લોકો ભાનભૂલીને વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને વિદાય આપવા અને ઓમિક્રોન જેવા ખતરનાક વેરીયન્ટ લઇને આવી રહેલા ન્યુ યર-૨૦૨૨ને ઉજવવા માટે માર્ગો ઉપર ઉતરી ન પડે તે માટે શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. દરેક તહેવારો ઉજવવામાં અગ્રેસર વડોદરાના ઉત્સાહી લોકો દ્વારા તેમાંય ખાસ કરીને યુવાધન દ્વારા વિદાય લેતા વર્ષ-૨૦૨૧ના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને બાય..બાય.. કરવા અને હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરીએન્ટ લઇને આવી રહેલા ન્યુ યર-૨૦૨૨ને આવકારવા માટે સજ્જ થઇ રહ્યું હતું. પરંતુ, છેલ્લા ૧૫ દિવસ દરમિયાન વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન વેરીયન્ટના કેસોને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા કર્ફ્‌યૂ જેવા કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા શહેરમાં વર્ષના અંતિમ દિવસ ૩૧ ફર્સ્‌ટ ડિસેમ્બરની રાતને રંગચંગે ઉજવવા માટે ખાસ કરીને સયાજીગંજ ડેરીડેન સર્કલ, ફતેગંજ મેઇન રોડ, શોપિંગ મોલો જેવા સ્થળો ઉપર મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે, ત્યારે કોરોનાના કારણે રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થતાં કર્ફ્‌યૂ પછી લોકો ભેગા ન થાય તે માટે પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેજ રીતે વડોદરા જિલ્લાની હદમાં આવેલા ફાર્મ હાઉસોમાં પણ થર્ટી ફસ્ટની પાર્ટીઓનું આયોજન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે જિલ્લા પોલીસ તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. વર્ધી ધારી પોલીસ સાથે શી ટીમ પણ સિવિલ ડ્રેસમાં જાેડાશે. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના બ્રીથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવશે અને જે લોકો પકડાશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ ડ્રેસમાં રહેનાર શી ટીમ દ્વારા પણ રોડ રોમિયો ઉપર બાજ નજર રાખશે. અને જે લોકો રોમીયોગીરી કરતા પકડાશે તેઓ સામે કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *