મુંબઈ
ફોર્ગિમાએ બ્રાઝિલ માટે ૨૩૩ મેચ રમી છે અને તે ૧૯૯૬માં પ્રથમ વખત એટલાન્ટા ઓલિમ્પિકનો હિસ્સો બનેલી મહિલા ફૂટબોલ ટૂર્નામેન્ટથી લઈને ટોક્યો ઓલિમ્પિક સુધીની તમામ ઇવેન્ટ્સમાં તે બ્રાઝિલની ટીમની સભ્ય રહી છે. તેની હાજરીવાળી બ્રાઝિલની ટીમે ૨૦૦૪ એથેન્સ અને ૨૦૦૮ની બેઇજિંગ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ૨૦૧૯માં ફ્રાન્સ ખાતે રમાયેલા વર્લ્ડ કપમાં પણ બ્રાઝિલિયન ટીમની સભ્ય હતી.સાત ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લીધા બાદ ૪૩ વર્ષીય મિડફિલ્ડર ફોર્ગિમા બ્રાઝિલ માટે ચાલુ મહિને પોતાની ફેરવેલ મેચ રમશે. નેશનલ ટીમ માટે ફોર્ગિમાનો છેલ્લો મુકાબલો ૨૫મી નવેમ્બરે મનાઉસ ખાતે ભારત સામેનો રહેશે. બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશને આ માહિતી આપી હતી. બ્રાઝિલ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે જેમાં ભારત, વેનેઝુએલા તથા ચિલીની ટીમો ભાગ લેશે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પ્રથમ વખત કોઈ ઇન્ટરનેશનલ ટીમ સામે રમશે. ફોર્ગિમા ટૂર્નામેન્ટમાં ભારત સામેનો એકમાત્ર મુકાબલો રમ્યા બાદ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે.


