મુંબઈ
દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવ દરમિયાન મોહમ્મદ શમીએ ૧૬ ઓવર ફેંકી હતી, જેમાં તેણે ૨.૭૫ના ઇકોનોમી રેટથી ૪૪ રન આપીને ૫ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટેસ્ટ કારકિર્દીમાં આ તેની છઠ્ઠી ‘૫ વિકેટ’ હતી.મોહમ્મદ શમીએ કાગિસો રબાડાને ઋષભ પંતના હાથે કેચ કરાવતાની સાથે જ તેની ટેસ્ટ કારકિર્દીમાં વિકેટની ‘ડબલ સેન્ચુરી’ પૂરી કરી હતી. તે હવે ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લેનાર ત્રીજાે સૌથી ઝડપી ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ તેની ૫૫મી ટેસ્ટમાં ૨૦૦ વિકેટનો આંકડો પૂરો કર્યો. તે ટીમના દિગ્ગજ ઝડપી બોલર કપિલ દેવ અને જવાગલ શ્રીનાથની પાછળ હતો, જેમણે અનુક્રમે ૫૦મી અને ૫૪મી ટેસ્ટમાં આ વિશેષ સ્થાન હાંસલ કર્યું હતું. મોહમ્મદ શમી ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનાર ૯મો બોલર છે. પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે ૩૩મી ટેસ્ટમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. બીજી તરફ ભારતીય બોલરોની વાત કરીએ તો સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ૩૭મી ટેસ્ટ ૨૦૦ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સૌથી ઝડપી ૨૦૦ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય પેસર્સમાં શમી કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ ત્રીજા ક્રમે છે. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ કે તેથી વધુ વિકેટ લેનાર બોલરોમાં હવે શમીનો સમાવેશ થયો છે. ૨૦૦થી વધુ લેનાર શમી ૧૧મો ભારતીય બોલર છે. આ લિસ્ટમાં અનિલ કુંબલે સૌથી વધુ ૬૧૯ વિકેટ સાથે પ્રથમ ક્રમે છે. જે બાદ લેજન્ડરી કપિલ દેવ ૪૩૪ વિકેટ સાથે બીજા ક્રમે, ત્રીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન ૪૨૭ વિકેટ અને હરભજનસિંહ ૪૧૭ ટેસ્ટ વિકેટ સાથે ચોથા ક્રમે છે. જયારે રવિન્દ્ર જાડેજા ૨૩૨ વિકેટ સાથે ૧૦માં ક્રમે છે.ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનો પરસેવો પાડી દીધો હતો. તેણે આફ્રિકા સામે પાંચ વિકેટ લઇ રેડ બોલ ક્રિકેટમાં વિશેષ ક્લબમાં સ્થાન મેળવ્યું હતું. મોહમ્મદ શમીએ ૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેણે ખાસ ક્લબમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
