નવીદિલ્હી
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આઈપીએલ ૨૦૨૨ની પ્રથમ મેચમાં પોતાની ટીમ સાથે નહીં હોય. મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચ ૨૭ માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે, જાેકે ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન તેનો ભાગ નહીં હોય. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટી૨૦ સીરીઝ દરમિયાન સૂર્ય કુમાર ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યકુમારની આ ઈજા હવે મુંબઈ ઈન્ડિયન્સને માટે ભારે પડી ગઈ છે. સૂર્યકુમારને અંગૂઠામાં ઈજા થઈ હતી જે બાદ તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાં હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા અને આ ચાર ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના સિવાય રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને કિરન પોલાર્ડને જાળવી રાખવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને છેલ્લી બે સિઝનથી સૂર્યકુમારે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તે ઘણી વખત મેચ વિનર સાબિત થયો હતો. આવી સ્થિતિમાં ટીમમાં તેની ગેરહાજરી ચોક્કસપણે મુંબઈ પર દબાણ બનાવશે. ગત સિઝનમાં મુંબઈની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી, તેથી આ વર્ષની દરેક મેચ તેમના માટે ઘણી મહત્વની છે. સૂર્યકુમારની ગેરહાજરીનો અર્થ એ પણ છે કે રોહિત શર્મા અને ઈશાન કિશન સિવાય હવે ટીમમાં કોઈ આંતરરાષ્ટ્રીય ભારતીય બેટ્સમેન રહેશે નહીં. સૂર્યકુમારની જગ્યાએ રમનદીપ સિંહ અને અનમોલપ્રીત સિંહને તક મળી શકે છે. તે જ સમયે, હૈદરાબાદનો અનકેપ્ડ ખેલાડી તિલક વર્મા ત્રીજા નંબર પર ઉતરી શકે છે. વર્ષ ૨૦૧૯ માં, સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયા સાથે જાેડાયો હતો અને ત્યારથી તે ટીમ માટે સતત પ્રદર્શન કરી રહ્યો છે. સૂર્યકુમારે આઈપીએલમાં મુંબઈ માટે જે રમત દેખાડી તેના આધારે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. તે મુંબઈની છેલ્લી ફ્લોપ સિઝનમાં પણ ચમક્યો હતો અને તેણે ૨૨ની એવરેજથી ૩૧૭ રન બનાવ્યા હતા. તે તેના હીટિંગ માટે જાણીતો છે, જે મેદાન પર આવતાની સાથે જ પહેલા બોલથી એટેક કરતો હતો. સૂર્યકુમાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦આઈ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સૂર્યા હાલમાં એનસીએમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ એવી સંભાવના છે કે તે પ્રથમ મેચમાં રમશે નહીં.


