આગ્રા
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા છે. યુવતીએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હતા. શાહગંજ વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી એક હિન્દુ છોકરા સાથે ભાગી ગઈ હતી અને બંનેએ આર્ય સમાજના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. હવે યુવતીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તેનો જીવ જાેખમમાં છે અને તેના પરિવારના સભ્યો તેને મારી નાંખશે. આ મામલે પોલીસનું કહેવું છે કે યુવતીના પિતાએ પહેલાથી જ કેસ દાખલ કરી દીધો છે. જાે યુવક-યુવતી સામે આવશે તો પોલીસ તેમને સુરક્ષા આપશે તેમજ કાયદા મુજબ કાર્યવાહી કરશે. હાલ યુવકનો મદદ માટે વિનંતી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગ્રાની આ મુસ્લિમ યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે ધર્મ પરિવર્તન કરીને હિન્દૂ પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. ત્યારે પ્રેમી દીપકને પામવા માટે મુસ્લિમ યુવતી સુઝેને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. જે બાદ તેનું નામ પણ બદલી દેવાયું હતું. પરંતુ હવે યુવતીના પરિવારજનોએ યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હોવાથી બંને નારાજ છે. પ્રેમી-પ્રેમિકાએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પ્રોટેક્શનની માંગ કરી હતી. સુઝેન ૩ સપ્ટેમ્બરના રોજ ઘર છોડીને તેના પ્રેમી દીપક સાથે ભાગી ગઈ હતી. દીકરી ઘરે પરત ન ફરતાં સુઝેનના સંબંધીઓએ તેના પ્રેમી દીપક વિરુદ્ધ શાહગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધાયા બાદ સુઝેન ઉર્ફે સુજાતા અને તેના બોયફ્રેન્ડ દીપકની પરેશાનીઓમાં વધારો થયો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પ્રોટેક્શનની માંગ કરી છે. વાયરલ વીડિયોમાં યુવતી કહે છે કે, “મેં દોઢ વર્ષ પહેલાં જ હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. મેં ૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ દીપક સાથે આર્ય સમાજ મંદિરમાં મારી મરજીથી લગ્ન કર્યા છે. પરંતુ મારા પરિવારના સભ્યો દીપક અને મને મારી નાંખવા માંગે છે. દીપકને ખોટા કેસમાં ફસાવવા માંગે છે. હું આગ્રા પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે મને, દીપક અને તેના પરિવારના સભ્યોને સુરક્ષા આપવામાં આવે.”

