નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની અરજીની અરજન્ટ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારને ટકોર કરી હતી કે આ અરજીની અરજન્ટ સુનાવણીની માગણી થોડાં મહિનાં પહેલાં કરવાની જરૃર હતી. અત્યારે અસંખ્ય લોકોએ આ બિઝનેસમાં રોકાણ કરી દીધું છે. સુપ્રીમના એક અવલોકનથી તેમને મોટો ફટકો પડશે. મુખ્ય ન્યાયધીશ યુ યુ લલિત અને ન્યાયધીશ હેમંત ગુપ્તાની બેંચે અરજીના સંદર્ભમાં કહ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક હોવાથી લોકોએ ફટાકડાના ઉદ્યોગમાં રોકાણ કર્યું હશે. જાે હવે અચાનક અમે કંઈક નિરીક્ષણ રજૂ કરીશું તો અસંખ્ય લોકો એક જ ઝાટકે એમાંથી બહાર ફેંકાઈ જશે. ન્યાયધીશોએ અરજીના સંદર્ભમાં કહ્યું હતુંઃ અમે દિલગીર છીએ, પરંતુ અમે આ મેટરને તાકીદની અસરથી સુનાવણી માટે લઈ શકીશું નહીં. તમે એવો સમય પસંદ કર્યો છે જ્યારે લોકો આમાં રોકાણ કરી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારને ટકોર કરતા ઉમેર્યું હતુંઃ તમારે આ મુદ્દો લઈને બે-ત્રણ મહિના પહેલાં અરજી કરવાની જરૃર હતી. દિલ્હીમાં અતિશય પ્રદૂષણ થતું હોવાથી ફટાકડાંના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવો જાેઈએ એવી માગણીના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતુંઃ આપણે એના વિશે દિવાળી પછી વાત કરીશું. અગાઉ દિલ્હીમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૩ સુધી તમામ પ્રકારના ફટાકડાં વેચવા અને ફોડવા પર પ્રતિબંધની માગણીની અરજીની પણ અરજન્ટ સુનાવણીની માગ ફગાવી દીધી હતી. અરજદારને દિલ્હી હાઈકોર્ટમાં જવાનું સૂચન કર્યું હતું.


