નવીદિલ્હી
આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના સમર્થક મહાત્મા ગાંધી અને નેહરુ પણ હતા. તેમણે એક કે બે ભાષાને સમગ્ર દેશની ભાષા બનાવવાની ઝુંબેશ ચલાવી હતી. જ્યારે હિન્દી વિરોધી જૂથ તેનો વિરોધ કરી રહ્યો હતો. તેઓ અંગ્રેજીને જ રાજ્યની ભાષા બનાવવાના પક્ષમાં હતા. ૧૯૪૯માં ભારતની બંધારણીય સમિતિ એક સમજૂતી પર પહોંચી. તેને મુંશી-આયંગર સમજૂતી કહેવામાં આવે છે. ત્યારબાદ જે ભાષાને રાજભાષા તરીકે સ્વીકૃતિ મળી, તે હિન્દી (દેવનાગરી લિપિમાં) હતી. બંધારણમાં ભારતની માત્ર બે ઓફિશિયલ ભાષાઓનો ઉલ્લેખ હતો. તેમાં કોઈ ‘રાષ્ટ્રીય ભાષા’નો ઉલ્લેખ પણ ન હતો. તેમાં સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીનો પ્રયોગ આવતા પંદર વર્ષમાં ઘટાડવાનું લક્ષ્ય હતું. આ ૧૫ વર્ષ બંધારણ લાગુ થયાની તારીખ (૨૬ જાન્યુઆરી, ૧૯૫૦)થી આવતા ૧૫ વર્ષ એટલે કે ૨૬ જાન્યુઆરી, ૧૯૬૫ના ખતમ થવાના હતા. હિન્દી સમર્થક નેતા જેમાં બાલકૃષ્ણ શર્મા અને પુરુષોત્તમ દાસ ટંડન સામેલ હતા. તેમણે અંગ્રેજીને અપનાવવા અંગે વિરોધ કર્યો. આ પગલાંને સામ્રાજ્યવાદનો અંશ ગણાવ્યો. સાથે જ માત્ર હિન્દીને ભારતની રાષ્ટ્રીય ભાષા બનાવવા માટે વિરોધ પ્રદર્શન પણ કર્યા. તેમણે આ માટે ઘણાં પ્રસ્તાવ રાખ્યા પરંતુ કોઇપણ પ્રયત્ન સફળ ન થઈ શક્યો કારણકે, હિન્દી હજુ પણ દક્ષિણ અને પૂર્વીય ભારતના રાજ્યો માટે અજાણી ભાષા જ હતી. ૧૯૬૫માં જ્યારે હિન્દીને બધી જગ્યાએ ફરજીયાત કરવામાં આવી તો તમિલનાડુમાં હિંસક આંદોલન થયા. ત્યારબાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નક્કી કર્યું કે બંધારણ લાગુ થયાના ૧૫ વર્ષ પછી પણ જાે હિન્દીને દરેક જગ્યાએ લાગુ કરવા માટે ભારતના બધા રાજ્યો તૈયાર નથી તો ભારતની એકમાત્ર ઓફિશિયલ ભાષા ન બનાવી શકાય. જાે એવું થઈ ગયું હોત તો ભારતની આ એકમાત્ર ભાષા, રાષ્ટ્રભાષા બની હોત. ત્યારબાદ સરકારે રાજભાષા અધિનિયમ, ૧૯૬૩ લાગુ કર્યો. તેમાં ૧૯૬૭માં સુધારો કરવામાં આવ્યો. જેના દ્વારા ભારતે એક દ્વિભાષીય પદ્ધતિ અપનાવી લીધી. આ બંને ભાષાઓ પહેલાની જ હતી, અંગ્રેજી અને હિન્દી. ઘણી વાર એવું કહેવાય છે કે, લગભગ ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારતમાં ૫૦ ટકાથી વધુ લોકો હિન્દી બોલે છે. સાથે જ નોન હિન્દીભાષી વસ્તીમાં પણ ૨૦ ટકા લોકો હિન્દી સમજે છે. એટલે હિન્દી ભારતની સામાન્ય ભાષા છે. જાે કે, ઘણાં ભાષાશાસ્ત્રીઓનું કહેવું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢના લોકોને હિન્દી ભાષીઓમાં ગણી લેવામાં આવ્યા છે, તેઓ છે નહીં. આ સિવાય ભારતના દક્ષિણમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક છે. પશ્ચિમમાં ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત. ભારતના ઉત્તર-પશ્ચિમમાં પંજાબ અને જમ્મુ અને કાશ્મીર. પૂર્વમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ. ઉત્તરપૂર્વમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને આસામ. આ દેશના ૨૯ માંથી ૨૦ રાજ્યો એવા છે જ્યાં હિન્દીભાષી બહુ ઓછા છે. આવી સ્થિતિમાં હિન્દી રાષ્ટ્રભાષા બની જ ન શકે. આ ઉપરાંત, ભારતમાં હિન્દી કરતાં ઘણી પ્રાચીન ભાષાઓ તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, સિંધી, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, નેપાળી અને આસામી છે. આવી સ્થિતિમાં એક નવી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જાે આપવો યોગ્ય નથી.
