Delhi

કઝાખસ્તાનમાં હિંસામાં ૧૨ પોલીસકર્મીઓના મોત

નવીદિલ્હી
કઝાખસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે દેશભરમાં બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જે હેઠળ રાત્રિ કર્ફ્‌યુ અમલમાં રહેશે અને ધાર્મિક પ્રાર્થનાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી કઝાકિસ્તાનમાં રહેતા ઓર્થોડોક્સ ખ્રિસ્તી વસ્તીને આંચકો લાગ્યો છે, કારણ કે તેઓ શુક્રવારે નાતાલની ઉજવણી કરે છે. દેખાવકારો પાસે કોઈ નેતા કે માંગણી ન હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક પ્રદર્શનકારીઓએ ‘વૃદ્ધ લોકો જાઓ’ ના નારા લગાવ્યા છે. દેખીતી રીતે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ નૂર સુલતાન નઝરબાયેવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ૨૦૧૯માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તેમનો પ્રભાવ હજુ પણ છે.મધ્ય એશિયાઈ દેશ કઝાખસ્તાનમાં હિંસક પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોએ ડઝનેક વિરોધીઓને ગોળી મારીને મારી નાખ્યા છે. તે જ સમયે, હિંસામાં ૧૨ પોલીસ કર્મચારીઓના પણ મોત થયા છે, જેમાંથી એકનું માથું કાપી નાખવામાં આવ્યું છે. વિરોધીઓએ સરકારી ઈમારતોમાં ઘૂસીને આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનો બાદ સરકારે પણ રાજીનામું આપી દીધું છે. વહીવટીતંત્ર દ્વારા સખત પ્રતિસાદ હોવા છતાં, મધ્ય એશિયાના દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં વિરોધીઓ ફરીથી રોડ પર ઉતરી ગયા છે. આના એક દિવસ પહેલા જ તેઓ રાષ્ટ્રપતિ ભવન અને મેયર ઓફિસમાં પ્રવેશ્યા હતા. રાજધાની નૂર સુલ્તાનમાં શાંતિ હોવાનું કહેવાય છે. ત્યાં રશિયન સૈનિકો રસ્તામાં છે. રશિયાની સ્થાનિક મીડિયા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે શહેરમાં પોલીસ કર્મચારીઓને લગભગ ૨૦૦ લોકોના ટોળાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ તેઓએ ગોળીબાર કરવો પડ્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં બે હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તા સુલ્તનત અઝીરબેકે સરકારી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે બુધવારે અનેક હુમલાખોરો માર્યા ગયા હતા. ૧૨ પોલીસ અધિકારીઓના મૃત્યુ ઉપરાંત ૩૫૩ કાયદા અમલીકરણ અધિકારીઓ ઘાયલ થયા હતા. કઝાકિસ્તાન ત્રણ દાયકા પહેલા સોવિયેત યુનિયનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ વિરોધનો સામનો કરી રહ્યું છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ઇંધણના ભાવમાં તીવ્ર વધારાને લઈને રવિવારે શરૂ થયેલા વિરોધોએ કઝાકિસ્તાનને સ્તબ્ધ કરી દીધું છે. દેશના પશ્ચિમમાં શરૂ થયેલો વિરોધ અલ્માટી અને રાજધાની નૂર-સુલતાન સુધી ફેલાઈ ગયો હતો. હજારો લોકો કથિત રીતે લાકડીઓ અને ઢાલ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો વાહન ઇંધણ તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે. વિરોધની તીવ્રતા દેશમાં વ્યાપક અસંતોષની નિશાની છે. ૧૯૯૧માં સોવિયેત યુનિયનમાંથી આઝાદી મળી ત્યારથી દેશ પર એક જ પક્ષનું શાસન છે. આર્થિક મુદ્દાઓને સંબોધવાના પ્રયાસરૂપે, સરકારે ગુરુવારે વાહન ઇંધણ પર ૧૮૦-દિવસની કિંમતની મર્યાદા અને યુટિલિટી દરોમાં વધારો કરવા પર મોરેટોરિયમની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *