નવીદિલ્હી
ભારતે ઝિમ્બાબ્વેનો વન-ડે શ્રેણીમાં ૩-૦થી વ્હાઈટવોશ કરતા આઈસીસી વન-ડે રેન્કિંગમાં ભારત ત્રીજા ક્રમે યથાવત્ રહ્યું છે. ભારતના કુલ ૧૧૧ રેટિંગ પોઈન્ટ છે જ્યાર તેના કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાન ૧૦૭ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. બાબર આઝમના નેતૃત્વ હેઠવની પાક. ટીમે તાજેતરમાં નેધરલેન્ડ સામે ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ સિરીઝ હેઠળ ૩-૦થી શ્રેણી પર કબ્જાે જમાવ્યો હતો. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા વન-ડે ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ ૧૨૪ રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું હતું. કિવી ટીમે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝને ૨-૧થી શ્રેણીમાં હરાવ્યું હતું. બીજા ક્રમે ૧૧૯ રેટિંગ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ રહી હતી. ભારતને તેના રેન્કિંગમાં સુધારો કરવાની તક ૬ ઓક્ટોબરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીમાં પ્રાપ્ત થશે. જ્યારે પાકિસ્તાન ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ બાદ વન-ડે ટૂર્નામેન્ટ રમશે. ન્યૂઝીલેન્ડની ટીમનો વિન્ડિઝ સામે એક વન-ડેમાં પરાજય થતાં તેની લીડ નવ પોઈન્ટથી ઘટીને પાંચ પોઈન્ટ રહી છે. આગામી મહિને ટ્રાન્સ તાસ્માન પ્રતિસ્પર્ધી દેશો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી રમાશે. જાે ન્યૂઝીલેન્ડની ટીમ આ શ્રેણીમાં કાંગારૂ ટીમ સામે હારે છે તો તે ઈંગ્લેન્ડ સામે ટોચનું સ્થાન ગુમાવી શકે છે. ઓસ્ટ્રેલિયા ૧૦૧ રેટિંગ પોઈન્ટ સાથે હાલમાં પાંચમાં ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવીને તેના રેન્કિંગમાં સુધારો કરવા આતુર છે.


