અમદાવાદ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પર તેના પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને કહ્યું હતું કે લગ્ન જીવનમાં જન્મેલા ત્રણેય સંતાનો કોઇ બીજાના છે. માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. પતિની વધી રહેલી હેરાનગતિને કારણે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલાનો પતિ બીજાના મોબાઇલથી પત્નીના મોબાઇલ પર વાંધાજનક મેસજ કરીને પત્ની પર ખોટા આક્ષેપ કરતો હતો. તે ઉપરાંત તેના ભાઇ પાસેથી ધંધો કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી કરતો હતો. આ તમામ બાબતોમાં મહિલાના સાસરિયાઓ તેના પતિને સમજાવવાના બદલે મહિલા સાથે જ ગેરવર્તન કરતા હોવાથી મહિલા કંટાળી ગઈ હતી. ફરિયાદી મહિલા હાલ સરદાર સ્મૃતિ સોસાયટીમાં તેમના ભાઇ સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૫માં દરિયાપુરમાં ડબગરવાડમાં આવેલી ચંગીશ પોળમાં રહેતા યુવક સાથે થયા હતા. જેમાં તે સયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનોના જન્મ થયો હતો. ફરિયાદી મહિલાને લગ્નની શરરૂઆતથી જ હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેમાં તે પિયરમાં ફોન કરવો હોય તો સ્પીકર પર રાખીને વાત કરવી પડતી હતી. સાસરિયાઓ ફરિયાદી મહિલાને કહેતા હતા કે તારામાં જ કઇ ખામી હશે. બાદમાં પતિ દ્વારા બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જાે કે ફરિયાદી મહિલાના ભાઇની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે આપી શકતા નહોતા. જેથી પતિ ફરિયાદી પત્નીને બાળકોની હાજરીમાં પટ્ટાથી મારતો હતો. એસીડ છાંટીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તે ઉપરાંત પતિ બીજાના મોબાઇલ ફોનથી પત્નીના મોબાઇલ ફોન પર મેસેજ મોકલીને હેરાન કરતો હતો. તે એવુ પણ કહેતો હતો કે લગ્ન જીવનમાં ત્રણેય સંતાનો તેના નથી. જેથી હવે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. સતત માનસિક ત્રાસ અપાતો હતો. બાદમાં પત્નીને મારીને કાઢી મુકી હતી. જે અંગે ફરિયાદી મહિલાએ તેના પતિ તેમજ સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


