આણંદ
આણંદના વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટીમાં રહેતા યુવકને અજાણ્યા બે થી ત્રણ શખસોએ મોબાઇલ પર બંદૂકથી ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટી ખાતે રહેતા અમીત નયનભાઈ પરમારને કોઈ કારણસર કોર્ટ કેસ કર્યો હતો. આ કેસને લઈ અજાણ્યા શખસોએ તેને મોબાઇલ પર અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત કોર્ટની મુદતે તૈયાર રહેજે તેમ કહી તથા પરિવારના અન્ય સભ્યને પણ ફોન પર મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે અમીત પરમારે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા બેથી ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સબુરભાઈને સોંપી છે.


