Gujarat

જોરાવરનગરમાં સવા આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના સન્માન નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા, સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને જિજ્ઞાબેન પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત સવા આયુષ હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગ જેવા આધુનિક વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિદાન અને સારવાર ઉપલબ્ધ હતી. પ્રથમ ૫૦ દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.

કેમ્પ દરમિયાન ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ સેવા યજ્ઞ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવા આયુષ હોસ્પિટલની ટીમે જહેમત ઉઠાવી હતી.