૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે
———
ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુરની ૧૦૮ સ્ટાફે રૂા. ૧૫ હજાર જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ રીતે ૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા ૧૦૮ ની ટીમ પૂરાં પાડી રહી છે.
આ કોરોનાને કપરાં સમયગાળામાં સતત વધતી જતી પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવાં માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેના દ્વારા તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાં મથતો હોય છે. આવી જ મહેનત દ્વારા માંડ કમાયેલાં રૂપિયા કોઇ લઇ જાય તો તેવા પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. આવો પરિવાર રોડ પર આવી જાય.
પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપાં કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને છોટાઉદેપુર ૧૦૮ ની ટીમે કુદરતના દેવદૂત બનીને રૂા. ૧૫ હજારની રકમ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી છે.
આ કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુર ૧૦૮ ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ મોડી રાત્રે આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા ના ધંધાદારી યુવાનને અલીરાજપુર નજીક રુનવાડ ગામ પાસે અકસ્માત નડતાં કાર પલટી મારી જતાં યુવક બેભાન થઇ ગયો હતો.
આ અકસ્માતની ઘટનાની જાણ છોટાઉદેપુર જિલ્લા ની ૧૦૮ આંબલા ફોરેસ્ટ ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ૧૦૮ ના ઇ.એમ.ટી શંકરભાઈ રાઠવા અને પાયલોટ યુસુફભાઈ મકરાણીને કારચાલક યુવાને સારવાર સહિત હોસ્પીટલ દાખલ કરાયો હતો.
વધુ તપાસ કરતાં કારચાલકની કારમાંથી ૧૫ હજાર જેવી મોટી રકમ તેમજ એક મોબાઈલ અને જરૂરી દસ્તાવેજ મળી આવ્યાં હતાં.
આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ જી.વી.કે. ઇ.એમ.આર.આઈ.ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ.
તેઓ બેભાન કારચાલક યુવાન પરેશ ભાઈ ને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુરની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યારબાદ યુવાનને ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો રાજકોટ સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ ૧૫ હજારની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.
૧૦૮ ના જિલ્લા અધિકારી મહેન્દ્ર ચૌહાણ તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ ની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓને નિષ્ઠાને પણ સો- સો સલામ છે….
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


