નડિયાદ
ઉત્તરસંડા ગામના વિકાસ માટે અંદાજે રૂ. ૨.૫ કરોડ જેટલી રકમ ફક્ત એક જ દાતા દ્વારા મળેલી છે. તેમાં ૪૦ ટકા જેટલી રકમ સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. આ વિકાસના કામોથી ગામની કાયાપલટ થશે. સનરાઇઝ ઉત્તરસંડાના ઉપક્રમે સનરાઇઝ ઉત્તરસંડા દ્વારા પૂ.સુરજબા સરોવર તથા વેરા તળાવના બ્યુટીફીકેશન, આર્યન અર્જુન સહાના ચિલ્ડ્રન પાર્ક, સીનીયર સીટીઝન પાર્ક અને ઉત્તરસંડાના બંને બસ સ્ટેન્ડના આધુનિકરણ, પુસ્તકાલયનું નવીનીકરણ અને ખાતમુહૂર્ત ગુજરાતના અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું. ઉત્તરસંડા મુકામે યોજાયેલા કાર્યક્રમમા જનમેદનીને સંબોધતા અધ્યક્ષ સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે જાગૃત્તિ છે અને આવું સુંદર આયોજન કર્યુ છે તેમાં ગામ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો છે તેજ બતાવે છે કે ગ્રામજનોમાં વિકાસની ભુખ છે. પહેલાના સમયમાં નદી-તળાવના કિનારે ગામો વસતા હતા. જ્યારે ગામોમાં તળાવોને અલંકૃત કરી તળાવોનું મહત્વ સમજાયું છે. અનેક તળાવો ડેવલોપ કરવા તેના માટે ખૂબ દાન આપવું અને વતનમાં ઉદ્યોગોના વિકાસ માટે મુંબઇના પૂર્વ શેરીફ અને આ ગામના પનોતા પુત્ર ડો. મોહનભાઇ પટેલને હું વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે સતત કાર્યશીલ છે અને તેઓના મતે વિકાસની વ્યાખ્યા વિશાળ છે. ગામના રહેવાસીઓને શુધ્ધ હવા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને ગામમાં જ આર્થિક ઉપાજન કરી શકે તે છે. લોકોને આજીવિકા માટે અવરજવરનો ખર્ચ અને સમય બચે તે માટે ગામડાઓના વિકાસ ઉપર તેઓ ભાર મૂકે છે. વિરોધ પક્ષોને આ વિકાસ પર હસવું આવે છે પરંતુ દેશના નાગરિકોમાં વડાપ્રધાને વિકાસની ભૂખ જગાવી છે. દેશના નાગરિકોને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશનો વિકાસ કરશે. આ માટે તેઓ સરકારની સાથે વિકાસમાં ભાગીદાર થવા પીપીપી મોડને પણ અમલમાં મૂક્યો છે. આપણી સરકારે વતન પ્રેમીઓને જન્મભૂમિ-માતૃભૂમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જન હિતના વિકાસ કાર્યોમાં, જનભાગીદારીના સૌથી મોટા અભિયાન તરીકે ‘માદરે વતન યોજના’ અમલમાં મૂકવામાં આવે છે. ઉત્તરસંડા ગામના વિકાસ માટે અંદાજે રૂ. ૨.૫ કરોડ જેટલી રકમ ફક્ત એક જ દાતા દ્વારા મળેલી છે. તેમાં ૪૦ ટકા જેટલી રકમ સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. જાે વધુ ખર્ચ થશે તો અમે વધુ રકમ માટે મુખ્યમંત્રીને ભલામણ કરીશું. ઉત્તરસંડા ગામ માટે એક જ શબ્દમાં કહીએ તો સુખી સમૃદ્ધ ગામ છે. પાપડ ઉદ્યોગથી શરૂ થયેલા આ ગામે દેશ વિદેશમાં નામના મેળવી છે. ૩૫ જેટલી નાની મોટી ફેક્ટરીઓ આ ગામમાં છે. નાના ઉદ્યોગોના કારણે ગામનો વિકાસ થાય છે અને નબળા કુટુંબો પગભર થાય છે. સર્વાંગી વિકાસનું કામ ઉત્તરસંડામાં થયું છે. હજુ વધુ વિકાસ થાય તેવી આશા છે. તેઓએ ગામના વિકાસ માટે લાંબાગાળાનું આયોજન કરી વિદેશ ગયેલ સાધન સંપન્ન લોકોનો સંપર્ક કરી ગામના વિકાસની રૂપરેખા રજૂ કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં પણ ઘણી અદ્યતન સ્કૂલો દાતાઓના સહાયથી બનેલી છે. કુપોષિત બાળકોની પણ તેઓએ ચિંતા કરી તેઓને સહાયરૂપ થવા જાહેર અપીલ કરી હતી. ‘આવો બધા આગળ આવીએ–વિકાસમાં અવરોધો ઉભા ન કરીએ’ તેવું તેઓએ જણાવ્યું હતું. સૌ સાથે મળી વડાપ્રધાનના હાથ મજબૂત કરી દેશને ઉન્નતિના શિખરો ઉપર લઇ જઇએ. આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણના કેબિનેટ અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે દાતાઓના દાનથી ગામનો વિકાસ ખુબ થયો છે. સૌ દાતાઓને વંદન સાથે અભિનંદન વ્યકત કર્યા હતા. ઉતરસંડા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરી હતી. ગામમાં વિકાસનો ઉત્સાહ જાેવા મળે છે. ઉત્તમમાંથી આ ગામ સર્વોત્તમ થશે. સૌનો સાથ સૌનો વિકાસ આ સરકાર કરી રહી છે. સરકારની અનેક યોજનાઓના લાભ લેવા તેઓએ ગ્રામજનોને અપીલ કરી હતી.


