ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે અધિક કલેકટર બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને બેન્કોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
ગિરગઢડા તા 21
ભરત ગંગદેવ.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથમાં પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે અધિક કલેકટર શ્રી બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં લીડ બેંકના મેનેજર ભગવાનભાઇ મેરે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતા દીઠ મળવાપાત્ર છે. તેમજ મત્સ્યદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. ૩ લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દીવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે. જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.
ઉપરાંત કેસીસીનો લાભ ૭-૧૨ની કોપી અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને ત્વરીત આપવામાં આવશે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઇ રહ્યા છે. તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની બ્રાન્ચનો સંપક કરી શકશે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરથી મળશે. તા. ૨૪ એપ્રીલ થી ૧ મે સુધીના અભિયાનમાં આ યોજનાના તમામ લાભાર્થીઓનો આ યોજનામાં આવરી લેવા તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ તકે અધિક કલેકટર એ ઉપસ્થિત તમામ બેન્કોના અધિકારીઓને કેસીસીના લાભાર્થીઓનો સંપર્ક કરી સમયમર્યાદામાં તેમને આ લાભ મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત ગ્રામસભાના માધ્યમથી વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમજ ફોર્મ ભરવા આવેલ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામા સમાવેશ કરાવવા તેઓ એ જણાવ્યું હતું.
આ બેઠકમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, નાબાર્ડના શ્રી કિરણ રાઉત સહિત બેન્કોના અધિકારીઓ-પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા


