Gujarat

કોરોનામાં અધૂરા રહેલા ઓરતા આ નોરતે પૂરા કરવા થનગાટ

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તા.26ને આસો સુદ એકમથી માં અંબાનો પવિત્ર તહેવાર નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે માં શક્તિના દરબારમાં જિલ્લાના દરેક તાલુકાઓમાં ગરબાની રમઝટ જામવાની હોય જેને અનુલક્ષીને સમગ્ર જિલ્લાના આયોજકો ગરબાના આયોજનમાં વ્યસ્ત બન્યા છે. મા શક્તિનો આ પર્વમાં શક્તિની આરાધના અને હોમ હવન તથા ગરબાનું વિશેષ મહત્વ હોય જેને ધ્યાનમાં લઈ યુવાન ખેલિયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે નગરની મધ્યમાં કુસુમસાગર તળાવ કિનારે આવેલ 250 વર્ષ જૂનું મા કાલિકા માતાનું મંદિર આજેપણ અડીખમ છે. જે ચમત્કારિક અને સ્વયંભૂ છે. આશરે 250 વર્ષ પહેલાં રાજવી પરિવારના કુળદેવી તથા નગરદેવીનું આ મંદિર સ્વયંભૂ હોય જેથી નગરજનો માટે આજેપણ ભારે આસ્થાનું કેન્દ્ર છે. નગરની મધ્યમાં આવેલ મા કાલિકા માતાના મંદિરનો 150 વર્ષ પહેલાં છોટાઉદેપુરના રાજવી ફતેસિંહજી મહારાજે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વર્ષોથી આજે પણ આ મંદિર સમગ્ર નગર માટે આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે વર્ષોથી મા કાલિકાના દરબારમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં મા કાલિકા માતાના મંદિરે, નિર્મળ સોસાયટી, લાયબ્રેરી રોડ, ગુરુકૃપા સોસાયટી, રાજપૂત ફળિયા જેવા વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અર્થે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરમાં કાલિકા માતાના મંદિરે રોશની અત્યારથી જ કરી દેવામાં આવી છે. અને જો વરસાદ વિલન નહિ બને તો સમગ્ર જિલ્લામાં ડીજે તથા ઢોલી ના તાલે ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠશે અને આનંદ માણશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *