Gujarat

ચાલુ વરસાદ દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ,  સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર થવાનું ટાળવું જોઇએ

ચોમાસાની ઋતુમાં નદી-નાળામાં પુર આવતા મોટા પ્રમાણમાં લોકો નદી-નાળા, કોઝ-વે, નહેર, તળાવ તથા પીકનિક સ્પોટ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ સેલ્ફી લેવાની પ્રવૃતિ કરતા હોય છે. તેમજ નદીના પાણીમાં ન્હાવા કે તરવા ઉતરતા હોય છે. જેના કારણે અનિચ્છનિય બનાવ બનવાની સંભાવનાને ધ્યાને લઇ છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો લાદ્યા છે.
        જાહેરનામામાં જણાવ્યાનુસાર ચાલુ વરસાદ દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર થવાનું ટાળવું જોઇએ. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ચાલુ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોઝ-વે, નહેર, તળાવ તથા પીકનિક સ્પોટ પર મોબાઇલ ફોન/કેમેરાથી સેલ્ફી લેવાનું ટાળવું જોઇએ એમ જણાવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમમાં ન્હાવા કે તરવા ઉતરવું નહીં. ચોમાસાની ઋતુ દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પશુધન સાથે પસાર થવાનું પશુધનને નિચાણવાળા વિસ્તારમાં ચરાવવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) અને કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન (પંચાયત)ને ભયજનક સૂચના દર્શાવતા બોર્ડ પ્રદર્શિત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જયાં પાણીની સપાટી ભયજનકના નિશાનથી વધુ પાણી હોય ત્યાં લોકો પસાર ન થાય તે માટે સ્થાનિક તંત્રને એલર્ટ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે જિલ્લા કલેકટરે જણાવ્યું છે.
ભારે વરસાદના સમયે નદી નાળા, તળાવ, સરોવર, નહેર અને ચેકડેમ તથા પીકનીક સ્પોટ જેવા સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા નવાર નવાર પેટ્રોલિંગ કરવાનું રહેશે. ભારે વરસાદના સમયે તમામ તલાટીશ્રીઓએ ગામે (હેડક્વાર્ટરમાં) ફરજીયાત હાજર રહી તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવું.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે કોઇ નદી, પુલ, કોઝ-વે તેની ભયજનક સપાટીથી ઉપર હોય તો સ્થાનિક સરપંચ-તલાટીશ્રીઓએ જિલ્લા અથવા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમને તાત્કાલિક સૂચિત કરવાનું રહેશે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના સમયે નદી, પુલ, કોઝ-વે તેની ભયજનક સપાટીથી ઉપર હોય ત્યારે લોકો તેના ઉપરથી પસાર ન થાય તે મામલતદારશ્રીઓએ, તાલુકા વિકાસ અધિકારીઓએ તથા સ્થાનિક સરપંચ અને તલાટીઓએ એલર્ટ કરી જરૂરી તકેદારીના પગલા લેવા તથા અકસ્માત ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૦૭/૦૭/૨૦૨૨થી તા.૦૬/૦૯/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ તથાધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની જોગવાઇઓ  મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *