છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના લીધે મુખ્ય માર્ગો અને અંતરિયાળ એપ્રોચ માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ ગયા હતા. જેના પગલે જિલ્લામાં ૩૦થી વધુ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બે જ દિવસમાં સર્વે કામગીરી હાથ ધરીને માર્ગોની સમારકામ કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ સત્વરે બધા જ ક્ષતિગ્રસ્ત માર્ગો ફરી ધમધમતા કરવા કટિબદ્ધ છે. પલાસણી ગામે કાળીડોળીને જોડતા પુલનો એક બાજુનો એપ્રોચ નદીના ભારે વહેણમાં ધોવાઈ ગયો હતો. જેનું મોટાપાયે કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત કરજવાંટમાં છોટાઉદેપુર-કવાંટ માર્ગ પર પડેલો મોટો કટ, પીપલેજ પાસે માર્ગ પર પડેલું મોટું ગાબડું, ચુડેલમાં ધોવાણ થતા ધસી પડેલો સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસેનો રસ્તો, તેમજ પાનવડ-રંગપુર- ચલામલી માર્ગ, ચલામલી થી કોસીન્દ્રા માર્ગ, પાવીજેતપુર થી ચલામલી માર્ગ સહિત આવા અનેક માર્ગો ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા. જેનું માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બે જ દિવસમાં સર્વે હાથ ધરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે પલાસણી ગામના હિંમતભાઈ સહિત ગ્રામજનોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ઉપરવાસમાં ભારે જળબંબાકાર વરસાદના લીધે નદીમાં પુર આવતા પલાસણીથી કાળીડોળી વચ્ચેના બ્રિજનો એપ્રોચનું ધોવાણ થયું હતું. જેનું સંબંધિત વિભાગ દ્વારા તરત જ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે કામ જે ઝડપે ચાલી રહ્યું છે તે રીતે બહુ ઝડપથી આટલું મોટું કામ પૂર્ણ કરી આ માર્ગને ફરીથી રાબેતા મુજબ ધમધમતો કરવામાં આવશે. આવી જ રીતે કરજવાંટ, પીપલેજ, ચુડેલ, રંગપુર, ચલામલી,કોસિન્દ્રામાં પણ ગ્રામજનોએ વિભાગની ત્વરિત હાથ ધરાયેલી ઝડપી કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ.આર.રાઠવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદ અને નદીના પુરથી પ્રભાવિત બધાજ માર્ગો અને બ્રિજનું તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. મોટાભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મોટાભાગના માર્ગો વાહન-વ્યવહાર અવર-જવર માટે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યા છે. માત્ર પલાસણી- કાળીડોળી રોડ અને પાનવડ-રંગપુર-ચલામલી રોડનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જે ટુંક સમયમાં પુરૂં કરી દેવામાં આવશે એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

