સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢમાં મિશન નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા છ મહિનાથી દર રવિવારે નેચર ફર્સ્ટનાં સભ્યો મારફત પર્યાવરણનું જતન અને પ્રકૃતિ દ્વારા મળેલ વારસો જાળવી રાખવાના હેતુથી ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.નેચર ફર્સ્ટની ટીમનાં સભ્યો દ્વારા આજરોજ સવારના 8:30 કલાકથી ગિરનાર સીડીની આસપાસના જંગલ વિસ્તારમાં ૩૫મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું અને આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે ૮૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો. છેલ્લા છ મહિના દરમિયાન હજારો કીલો પ્લાસ્ટિકનો નાશ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
આ તકે નેચર ફર્સ્ટ ગ્રુપના ભરતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે આજના સાંપ્રત સમયની વૈશ્વિક સમસ્યામાં સૌથી ચિંતાજનક એક એવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પૃથ્વીના વાતાવરણ તથા સમગ્ર જીવનસૃષ્ટિ પર તેની વિઘાતક અસરો વર્તાઈ રહી છે. એક જાગૃત વિશ્વનાગરીક તરીકે આપણે ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો જાણવી પડશે, અને આ વિઘાતક અસરો દૂર કરવા વિશ્વસ્તરે સરકારો મોટા પગલાં ભરે તેના કરતા આપણે વ્યક્તિગત ધોરણે વધુ અસરકારક પગલાં ભરવાની પણ ફરજ છે.
ખાસ વૃક્ષારોપણ કરવું અને તેનો ઉછેર પણ કરવો તથા બીજા મિત્રો પાસે પણ વવડાવવા અને તેના ઉશેર કરવાની ઝુંબેશ હાથ ધરવી, વૃક્ષ છેદનની પ્રવૃત્તિને અટકાવીને પ્રકૃતિનું સંતુલન જાળવવાના અભિયાન ચલાવવા, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવવા સહિતની પ્રવૃતિઓ આજે વિશ્વના દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી જોઈએ.


