ઝગડીયાની ડી.સી.એમ કંપનીમાં થયેલી 1 વર્ષ પૂર્વેની ચોરીનો વોન્ટેડ આરોપી અંકલેશ્વરથી ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસને ચકમો આપી છેલ્લા 1 વર્ષથી ફરાર વિનોદને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝગડીયા પોલીસને જાણ થતાં પોલીસ અંકલેશ્વરથી ટ્રાન્સફર વોરંટ પર તેને ઝગડીયા લઇ ગઈ હતી.
ઝગડીયા જીઆઇડીસીમાં આવેલી ડીસીએમ શ્રીરામ કંપની ખાતે 9 સપ્ટેમ્બર, 2021ના રોજ વર્કશોપમાંથી એસએસની 6 મીટરની 15 પાઇપ, કિંમત રૂપિયા 80 હજારની ચોરી થવા પામી હતી. જે ચોરીમાં અગાઉ ઝગડીયા પોલીસે અંકલેશ્વરના વિકાસ સંતરામ રામજોરને ઝડપી પાડ્યો હતો. જેણે જાવિદ, મિકીન અનિલ ગુપ્તા અને વિનોદ પાલ જિતપાલ સાથે ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ ચોરીમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ એવા વિનોદ પાલ જિતપાલને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે ઝગડીયા પોલીસ મથકે જાણ કરતાં ઝગડીયા પોલીસએ ટ્રાન્સફર વોરંટ મેળવી વિનોદ પાલ જિતપાલની ધપરકડ કરી ઝગડીયા ખાતે લઇ જઈ રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.


