પ્રભારી મંત્રી સુશ્રી. નિમિષાબેન
સુથારની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે
———————————
વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક અને કીટનું વિતરણ કરાશે
———————————-
ગરીબ કલ્યાણ મેળાના આયોજનને અનુલક્ષીને અધિક કલેકટર બેઠક યોજી
: આગામી તા. ૧૪મી, ઓકટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલા શ્રી. એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી. નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
રાજય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ હાથો હાથ લાભાર્થીને આપી શકાય એ માટે રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તા. ૧૪મી અને ૧૫મી, ઓકટોબર એમ બે દિવસ સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૪મી, ઓકટોબરના રોજ યોજાનારા પ્રથમ ચરણના ગરીબ કલ્યાણ મેળાઓ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાભરમાંથી ૨૫૦૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓના લાભોથી લાભાન્વિત થશે.
ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય એ માટે છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન જિલ્લા સેવાસદન ખાતે આવેલા સંકલન સમિતિ હોલમાં કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા અધિક કલેકટર ભગોરાએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓને હાથો હાથ લાભો આપી શકાય એ માટે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી દરેક અમલીકરણ અધિકારી કે જેના લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન સહાયનું વિતરણ કરવામાં આવનાર છે એ અધિકારીએ તેમના લાભાર્થીઓ સમયસર કાર્યક્રમના સ્થળે આવી જાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે કાર્યક્રમના સ્થળે કરવાની થતી કામગીરીની વાત કરતા જણાવ્યું હતું કે, કાર્યક્રમના સ્થળે સ્ટેજ, મહાનુભાવોની બેઠક વ્યવસથા, મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ, લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહી તેની વિશેષ તકેદારી રાખવા તાકીદ કરી હતી.
કાર્યક્રમને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્રની અધિકારીઓને સાંકળી લેતી વિવિધ કમિટીઓનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. અધિક કલેકટરે આ વિવિધ કમિટીઓ દ્વારા કરવાની થતી કામગીરી અંગે પણ વિગતે છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમણે સરકારના ગરીબ કલ્યાણલક્ષી આ મહત્વના કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને પરસ્પર સંકલન કરી કામગીરી કરવા માટે તેમણે સૌને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક વિભાગે પેટા સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવાનું થતું હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સાથે સંકલન કરી સ્ટોલ મેળવી લેવા તથા કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કીટ પેટાસ્ટેજ પાસે ગોઠવાઇ જાય એ રીતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, બોડેલી પ્રાંત મેત્રીદેવી સિસોદીયા, ડેપ્યુટી કલેકટર અમિત ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર અમરસિંહભાઇ રાઠવા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
