સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
લગ્નની સિઝન બરાબર જામી છે ત્યારે સાવરકુંડલાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ૧૦ જેટલા બળદગાડા અને ૧૦ ઘોડીઓ સાથે નેસડી ગામની બજારમાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નેસડી ગામમાં ૨૦ વર્ષ સુધી સરપંચપદે રહીને નેસડીનો ખૂબ જ વિકાસ કરનાર શ્રી હિંમતભાઈ ગેવરીયાના લાડકવાયા ચિરંજીવી પુત્ર જયદીપકુમાર ના લગ્ન પ્રસંગે આ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. હિંમતભાઈ ગેવરીયા જે “અદા” નામે સમગ્ર અમરેલી જિલ્લામાં રાજકીય, સામાજિક, અને લોકપ્રિયતામાં આગવું સ્થાન ધરાવે છે. જયદીપકુમારના વરઘોડામાં દસ જેટલા શણગારેલા બળદગાડા અને ૧૦ ઘોડી સાથે નીકળેલા આ વરઘોડા એ આપણી ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરી હતી. જયદીપકુમારનું સાસરું નેસડી ગામ જ હોય, કથીરીયા પરિવાર ને આંગણે આ મોંઘેરી જાન પધારી હતી. ગાડાઓ માફા અને ભરત ભરેલા તોરણ સાથે જ્યારે બળદ માથે ભરેલા શીંગડા , ઝૂલ , મોરા , ઘૂઘરાથી શણગારેલા જયદીપ કુમારના વરઘોડામાં જોડાયા હતા. આ સાથે દસ તાલીમબધ્ધ ઘોડીઓએ આ શાહી વરઘોડામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જયદીપકુમારના મોટા બાપુજી ધનજીભાઈએ જણાવ્યું હતું, કે બસ અને મોટરમાં તો ઘણા વરઘોડા નીકળે પણ અમારા દીકરા જયદીપનો વરઘોડો તો અમારા ખેડૂતોના જુના રીવાજ મુજબ બળદગાડામાં કાઢવો છે , અને ખરેખર આ વરઘોડો એ પ્રમાણે જ નીકળ્યો.


