Gujarat

પશુઓની હેરફેર પર લગાયો પ્રતિબંધ 

રાજયના વિવિધ જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીઝીઝ નામનો રોગ ફેલાયેલો છે. આ રોગ વાયરસથી એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાય છે તેમજ પશુઓના એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી મચ્છર વગેરથી પણ ચેપ ફેલાતો હોઇ, સદરહુ રોગના નિયંત્રણ માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરના વંચાણ હેઠળના ઠરાવથી તકેદારીના સૂચનો કરેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી પશુઓની હેરફેર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર જિલ્લામાં અન્ય રાજયો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશુઓનો વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા આયોજનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગચાળામાં મરેલા જાનવરોના મડદાનો અથવા તેના કોઇ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથાવ તેમને લાવવા-લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જ જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વિગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળો અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.
આ હુકમ તા. ૦૪/૦૯/૨૦૨૨ થી તા. ૦૩/૧૦/૨૦૨૨ રોજ ૨૪.૦૦ કલાક સુધી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *