ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર શીલ્પી સ્ક્વેર શોપીંગમાં આવેલા સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર ઉપર LCB એ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. હુક્કામાં ઉપયોગમાં લેવાતી હર્બલની અલગ-અલગ 10 ફલેવરના નમુનાઓ લઇ નિકોટીન ટેસ્ટિંગ માટે FSL માં મોકલી આપ્યા છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ PSI એમ.એચ.વાઢેર, અ.હે.કો.સંજયદાન તથા હે.કો.જયેશભાઇ, રજનીકાંતભાઇની ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે દહેજ બાયપાસ રોડ ઉપર શીલ્પી સ્કેવેરમાં સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરંન્ટમાં હુક્કાબાર ચાલે છે તેવી હકીકત મળી હતી. હુક્કામાં ગેરકાયદેસર રીતે હર્બલ ફલેવરની અંદર નીકોટીન યુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ કરાયું હતું. જેમાં હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફલેવર શંકાસ્પદ જણાઈ હતી.
એક હુક્કો તથા અલગ અલગ 10 ફલેવરોના સેમ્પલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી જોગ રજીસ્ટર કરવા આગળની તપાસ એ ડીવીઝનમાં સોપાઈ હતી. ડોક્ટરોના મતે સિગારેટ કરતા હુક્કા 200 ગણા વધુ નુકસાનકારક છે. હુક્કાની બનાવટમાં જોખમી કેમિકલ વપરાય છે. જેથી હુક્કા પીનારને કેન્સર જેવી ગંભીર બિમારીનું પણ જોખમ રહે છે. હુક્કાબારમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરાતો હોવાનું અવાર નવાર બહાર આવે છે.


