નડિયાદ
મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે રામનગર વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ નટુભાઇ ડાભી તથા તેમના મિત્રો કાર નંબર (જીજે ૦૭ ડીડી ૮૭૪૨) લઈને માંકવાથી સિંહુજ જતા હતા. કલ્પેશભાઈના મિત્ર ચિંતનભાઈ મનુભાઈ ડાભી પોતે કાર ચલાવતા હતા અને રાજેશભાઈ રાવજીભાઈ ચૌહાણ તથા કલ્પેશ બંન્ને કારમાં સવાર હતા. આ તમામ મિત્રો માંકવાથી સિહુંજ ક્રિકેટ રમવા જતા હતા. આ વખતે માંકવા-વાંઠવાળી રોડ પર કાર ચાલકે એકાએક કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડના ઘટાદાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેને પગલે કારમાં સવાર ત્રણ મિત્રોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જે પૈકી કલ્પેશ ડાભીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ નજીકથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોએ આ ત્રણેયની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કલ્પેશભાઈ ડાભીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક કલ્પેશભાઈ ડાભી ભાજપમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની જવાબદારી નીભાવી રહ્યાં હતાં અને પક્ષના સૌ નિકટના મિત્રોને તેઓ રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમમાં મળ્યા પણ હતા. આમ એકાએક કલ્પેશભાઈ ડાભીએ તમામ મિત્રો વચ્ચેથી વિદાય લેતાં મિત્ર વર્તુળમાં ભારે શોક પ્રવર્તી ગયો છે. મહેમદાવાદ પોલીસે ઉપરોક્ત ઘટના સંદર્ભે મૃતકના સગાભાઈ પ્રવીણસિંહ ડાભીની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેમદાવાદ પાસે માંકવા-વાંઠવાડી રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારમાં સવાર એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે કારચાલક અને અન્ય એકને ઈજા પહોંચી છે. કારમાં સવાર તમામ મિત્રો માંકવાથી સિહુંજ ગામે ક્રિકેટ રમવા જતા હતા અને આ દરમિયાન અકસ્માત થયો હતો. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
