રાજકોટ
ટ્રાફિક પોલીસે અગાઉ ઇ-મેમોના નામે ઉઘરાણા શરૂ કર્યા હતા જેની સામે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં વાહનચાલક દંડ ભરે નહીં તો પોલીસે તેની સામે એનસી કેસ દાખલ કરવાનો હોય અને તે કેસ બાબતે કોર્ટ કાર્યવાહી કરે, પરંતુ છ મહિના પૂર્વેના ઇ-ચલણનો દંડ વસૂલવો નહીં, જે બાબતનું પોલીસે ખોટું અર્થઘટન કરીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, એટલું જ નહીં લોકઅદાલતનો અર્થ એ છેકે તેમાં કેસ પૂરો થાય, લોકઅદાલતમાં કેસ દાખલ થઇ શકે નહીં. ઈ-મેમો બાબતે હાઇકોર્ટે પણ રોક લગાવી હતી અને ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં જાે વાહનચાલક દંડ ભરપાઇ ન કરે તો છ મહિનામાં પોલીસ એનસી કેસ દાખલ કરી શકે, અને જૂના ઇ-મેમોના દંડ વસૂલવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. છતાં ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.૨૫ સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.રાજકોટ શહેરમાં ટ્રાફિક એસપી વી.આર.મલ્હોત્રાએ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.૨૫ જૂન સુધીમાં ઈ-મેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જાે તેઓ ઈ-મેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ નોટિસને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ટ્રાફિક પોલીસ કચેરીની બહાર પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી હતી.
